નવીદિલ્હી,લોક્સભાએ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના સભ્યપદને મંજૂર કર્યું છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટની સુનવણી પહેલાં જ આવ્યો. લોક્સભા સચિવાલયે એક સૂચના બહાર પાડીને કહ્યું હતું કે ફૈઝલનું સભ્યપદ લોક્સભાએ મંજૂર કર્યું છે, કારણ કે કેરળ હાઈકોર્ટે ૨૫ જાન્યુઆરીએ તેની સજા પર રોક લગાવી દીધી હતી.
એનસીપી સાંસદ સહિત ત્રણ લોકો ૨૦૦૯માં એક વ્યક્તિની હત્યાની કોશિશ સાથે જોડાયેલાં કેસમાં આરોપી બનાવવામાં આવ્યાં હતાં. ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લક્ષદ્વીપની એક સેસન્સ કોર્ટે આ કેસમાં તેમને ૧૦ વર્ષની સજા ફટકારી. ત્યાર બાદ બેવાર સાંસદ રહેલાં ફૈઝલને સંસદ માટે અયોગ્ય ઘોષિત કરી દીધા હતાં. એટલું જ નહીં ચૂંટણી આયોગે કાવારત્તી સીટ પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી હતી.
નીચલી કોર્ટના આ નિર્ણય બાદ ફૈઝલે કેરળ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. કેરળ હાઈકોર્ટે ૨૫ જાન્યુઆરીએ ફૈઝલની સજા પર રોક લગાવી દીધી હતી. લોક્સભા સચિવાલયની સૂચના, જેમાં સાંસદ ફૈઝલનું સભ્યપદ ફરી મંજૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટના જસ્ટિસ બેચૂ કુરિયન થોમસે કહ્યું હતુ કે પેટાચૂંટણીમાં જબરદસ્તી ખોટા ખર્ચ શા માટે કરવામાં આવે. ખાસ કરીને ત્યારે જ્યારે લોક્સભાનો કાર્યકાળ દોઢ વર્ષની અંદર પૂરો થવાનો છે. જસ્ટિસ થોમસે એવું પણ કહ્યું કે આ કેસમાં આરોપીઓએ કોઈ ખતરનાક હથિયારનો ઉપયોગ કર્યો નથી. પીડિતને પણ કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. ચૂંટણી આયોગે વાત માનીને પેટાચૂંટણી અંગે કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેના વિરુદ્ધ લક્ષદ્વીપ પ્રશાસને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી હતી.
અટેમ્પ્ટ ટૂ મર્ડર કેસમાં સજા મળ્યા પછી લોક્સભા સચિવાલયે ફૈઝલની લોક્સભાનું સભ્યપદ ૧૧ જાન્યુઆરીએ જ રદ કરી દીધું હતું. ૨૫ જાન્યુઆરીએ કેરળ હાઈકોર્ટે નિર્ણય આપેલો છતાંય લોક્સભા સચિવાલયે આ વાત માનવાની ના પાડી દીધી હતી કે ભલે તેમની સજા ઉપર રોક લગાવી દેવામાં આવી હોય, પરંતુ તેમના અયોગ્ય માનવાનો નિર્ણય પાછો લેવામાં આવશે નહીં. તેના વિરુદ્ધ ફૈઝલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનવણી બુધવાર ૨૯ માર્ચે જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચમાં થવાની હતી. ફૈઝલે નવી અરજીમાં લોક પ્રહરી કેસનો હવાલો આપીને દલીલ કરી હતી કે એકવાર સજા ઉપર રોક લગાવ્યા પછી અયોગ્યતા પણ સસ્પેન્ડ કરવામાં આવશે.