અમદાવાદ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ વકગ કમિટીની રચના કરી છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા બનાવવામાં આવેલી આ નવી ટીમમાં ખડગેએ પોતાના વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી ચૂકેલા શશિ થરુર, રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાની પસંદગી કરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની રચના કરી. જેમાં ૩૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધિર રંજન ચૌધરી, એ કે એન્ટોની, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, અજય માકન, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, જયરામ રમેશ, સચિન પાયલટ, રણદીપસિંહ સુરજેવાલા, સલમાન ખુર્શીદ, અભિષેક મનુ સિંઘવી, ગુજરાતમાંથી જગદીશ ઠાકોર સહિત ૩૯ નેતાઓના નામ સામેલ છે.
આ ટીમમાં નવા અનેક ચહેરાને જગ્યા મળી છે. જેમાં રાહુલ ગાંધીની સાથે સાથે સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી શૈલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ, અને રણદીપ સુરજેવાલા સહિત અનેક નામ છે. અત્રે જણાવવાનું કે એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયેલા છે. જેમને ભાજપે પણ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કર્યા છે.