
અમદાવાદ, લોક્સભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. લોક્સભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપ આવતીકાલે ૧૨ ડિસેમ્બરે બેઠક યોજવાની છે. આવતીકાલે ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળવાની છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બેઠકમાં હાજર રહેવાના છે.
આવતીકાલે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક સાથે ભાજપની જીત થઇ હતી. તેનાથી જ લોક્સભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યુ હતુ. એવુ કહેવામાં આવે છે કે ભાજપ માટે જે પણ હિંદી બેલ્ટ છે, ત્યાં જેટલી બેઠક વધારે હોય છે.તેટલો જ ફાયદો ભાજપને લોક્સભામાં થતો હોય છે.આ વખતે લોક્સભામાં ૪૦૦ પારનો ભાજપનો લક્ષ્યાંક છે, ત્યારે આવતીકાલે ભાજપની મહત્વની બેઠક યોજાશે.
આવતીકાલે સ્નેહમિલન પ્રકારના કાર્યક્રમનું ભાજપે આયોજન કર્યુ છે. જેમાં સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખને બોલાવવામાં આવ્યા છે.પેજ સમિતિ કે જેના દ્વારા ગુજરાતમાં ૧૫૬ બેઠક આવી હતી, તેને વધુ મજબૂત કરવામાં આવશે. દિવાળી પછીની આ પહેલી બેઠક યોજાવાની છે જેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે. આ સાથે જ આવતીકાલથી લોક્સભા ચૂંટણીની તૈયારીઓ માટેનું બ્યુગલ ગુજરાતમાં વાગી જશે.