લોક્સભા ચૂંટણીની અસર, ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો પર હાલ અલ્પવિરામ

નવીદિલ્હી, ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો અટકી ગઈ છે. વાસ્તવમાં, ભારતમાં લોક્સભા ચૂંટણીની તારીખો શનિવારે જાહેર કરવામાં આવશે, જેની સાથે દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવી સ્થિતિમાં બંને દેશોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ૧૪ રાઉન્ડની વાટાઘાટો રોકવાનો નિર્ણય લીધો છે અને હવે આ દિશામાં કોઈ નિર્ણય લોક્સભા ચૂંટણી પછી જ લઈ શકાય છે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાટાઘાટો પહેલાથી જ અટકી જવાની ધારણા હતી કારણ કે ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને હવે મુક્ત વ્યાપાર સમજૂતી પર વધુ કોઈપણ ઔપચારિક વાટાઘાટો ચૂંટણી પછી જ થઈ શકે છે. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત જાન્યુઆરી ૨૦૨૨માં શરૂ થઈ હતી.

ભારત અને બ્રિટને મુક્ત વ્યાપાર સમજૂતી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મામલે યુકેના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં ભારતમાં લોક્સભા ચૂંટણીનો માહોલ છે. અને ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. તેવા સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર કોઈ મહત્વનો નિર્ણય લઈ શકાય નહી. જાન્યુઆરી ૨૦૨૨ માં શરૂ થયેલી એફટીએ વાટાઘાટોનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર માટે “મહત્વાકાંક્ષી” પરિણામને સુરક્ષિત કરવાનો છે, જે હાલમાં ફેબ્રુઆરી ૨૦૨૩ ના સત્તાવાર આંકડા મુજબ વાર્ષિક અંદાજે ૩૮.૧ બિલિયન છે.

યુકે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે અને ભારત મહત્ત્વાકાંક્ષી વેપાર સોદા તરફ કામ કરવાનું ચાલુ રાખે છે. જો કે, યુકે સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે માત્ર એવા સોદા પર હસ્તાક્ષર કરશે જે ન્યાયી, સંતુલિત અને આખરે બ્રિટિશ લોકો અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં હોય. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષોમાંથી કોઈ પણ કરારમાંથી પાછળ હટવાના મૂડમાં નથી, પરંતુ હજુ સુધી કરાર ન થવાનું કારણ એ છે કે અમને તે સોદો હજુ મળ્યો નથી. જેના પર બંને પક્ષો સંમત થઈ શકે છે. બંને પક્ષોના મયસ્થીઓએ સમજૂતી પર પહોંચવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સખત મહેનત કરી છે અને અમે ઘણા મુદ્દાઓ પર કરાર પર પહોંચ્યા છીએ. જો કે, માલ, સેવાઓ અને રોકાણ અંગે હજુ સમજૂતી થવાની બાકી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પીએમ મોદી અને બ્રિટિશ પીએમ ૠષિ સુનક વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં બંને પક્ષોએ કરાર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

એક બ્રિટિશ અધિકારીએ કહ્યું કે ભારત અને બ્રિટન એક મહત્વાકાંક્ષી વેપાર કરાર પર સતત કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી ઘણા મુદ્દાઓ પર પરસ્પર સહમતિ બની શકી નથી. અમે સ્પષ્ટ છીએ કે જ્યાં સુધી ડીલ વાજબી, સંતુલિત અને બ્રિટિશ લોકો અને આપણા અર્થતંત્રના હિતમાં છે. ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ ગયા અઠવાડિયે એવું જ કહ્યું હતું કે જ્યાં સુધી સમજૂતી ભારતીય લોકો અને ભારતીય અર્થવ્યવસ્થાના હિતમાં નહીં હોય ત્યાં સુધી અમે તેના પર આગળ વધીશું નહીં. બ્રિટન ઇચ્છે છે કે ભારત બ્રિટનમાંથી નિકાસ પરના ટેરિફમાં ઘટાડો કરે, જે હાલમાં ૧૫૦ ટકા જેટલો ઊંચો છે. સાથે જ ભારત ઈચ્છે છે કે બ્રિટનમાં કામ કરતા ભારતીયોના મામલામાં નિયમો ન્યાયી હોવા જોઈએ અને તેમને નેશનલ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા જોઈએ.

બ્રિટિશ મીડિયાના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર પણ બ્રિટનમાં આગામી સામાન્ય ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, કારણ કે જો બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટી જીતશે તો ભારતને બ્રિટનમાંથી સારો સોદો મળવાની અપેક્ષા છે. તાજેતરમાં જ લેબર પાર્ટીના એક વરિષ્ઠ નેતા પણ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેઓ દિલ્હીમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને પણ મળ્યા હતા.