લોક્સભા ચૂંટણીના પૂરા થતા તબકકા સામે બેઠકોના ચર્ચાતા વર્તારા

લોક્સભાની ચૂંટણીના એક પછી એક તબક્કાઓ પૂરા થતા જાય છે અને પરિણામની તારીખ ૪ જૂન, ર૦ર૪ નજદીક આવતી જાય છે. શૅરબજાર પણ મોટી ગોથ મારી ગઈ છે કારણ કે એને સત્તાપલટાનો ડર લાગે છે. હમણા હમણાં કમોસમી વરસાદે જોર માર્યું છે. છેક સાઉદી અરેબિયા અને દુબઈના રણથી માંડી સંતરામપુર કે સિદ્ધપુર સુધી ગમે ત્યાં એ દોડી આવે છે. બરફવાળાની આ સિઝનમાં એ પણ ક્યાંક કરા વરસાવી રહ્યો છે. આજકાલ બધે જ થોડોઘણો પણ રાજનીતિમાં રસ લેતા હોય તે એકબીજાને મળે કે ચાની લારીએ ભેગા થાય એટલે આગાહી કરે, કેટલી સીટ આવશે ? કઈ સીટ આવશે ? અને દરેક પોતાનો મત પ્રદશત કરે. એમાંના ઘણા બધાને ટીવી માધ્યમો ઉપર વિશ્વાસ રહ્યો નથી એટલે ક્યાંકથી સટ્ટાબજારનો આંકડો ટાંકે છે. આ બધા જ વર્તારો કરવાવાળાઓ જે ગુજરાતમાં કે અન્યત્ર ભાજપ કેટલી સીટો ગુમાવશે તેની ચર્ચા કરતા હોય તે બધા જેતે પક્ષના એજન્ટ છે કે પછી રાજકારણનો ’ર’ નથી જાણતા. ભાજપની તાકાત સમજીએ. ભાજપ પાસે ચાર ’મ’ છે. પહેલું મની (પૈસા). બીજું એમ- મેન (બહેનો સમેત કાર્યકરોના ધાડેધાડાં. જો કે આ વખતે નિરાશ હતા) ત્રીજું એમ- ભાજપના સાચા કાર્યકરો, ઇલેક્શન કમિશન સુધી સરકારી તંત્રી અને ચોથું એમ – મશીન એટલે કે ઈવીએમ. તો, સામે ભાજપની નબળાઈઓમાં નિરાશ કાર્યકર. કારણ કે કૉંગ્રેસમાંથી જ આવેલા પોંખાય છે. હવે અર્જુનભાઈ અને સી. જે. ચાવડા માટે ખુરશી ખાલી કરવી પડશે. કોનો ભોગ લેવાશે કે કોનું મલાઈદાર ખાતું છિનવાશે એ તો ઉપરવાળો એટલે કે દિલ્હીવાળો જાણે.

ગુજરાતના આપણા મુખ્યમંત્રી રામની પાદૂકા જેમ ભરત સંભાળતા હતા તેમ પાદુકા સંભાળી રાજ કરે છે તેવી અનેક વાતો સોશિયલ મીડિયામાં ગંભીરતાથી લખાઈ રહી છે. આ વખતે જનતા નિરાશ દેખાય છે. આ વખતે ભક્તોની સંખ્યામાં પણ સારોએવો ઘટાડો થયો હતો એટલે કોઈ એને રોકવા અને ટોકવાવાળું પણ નહોતું. રામમંદિરનો મુદ્દો ન ચાલ્યો, આપત્તિઓ આવી. સનાતન ધર્મના સર્વેસર્વા પૂજનીય ચારે શંકરાચાર્યજીઓએ ભેગા થઈને કહ્યું હતું કે, ’અધૂરા મંંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવી શાસંગત નથી પણ હિન્દુધર્મમાં સનાતન ધર્મનો સમાવેશ નહીં થતો હોય તે શંકરાચાર્યજીની વાત કોઈએ સાંભળી નહીં. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં જયશંકર જેવો બાહોશ વિદ્યાર્થી કોઈ નવો વિદ્યાર્થી, નવી પાઠશાળામાં ભણી આવ્યો તે સદંતર ફેલ નીવડયા. નાણામંત્રી પ્રમાણિક છે, એમણે બેધડક કહ્યું કે, લોક્સભાની ચૂંટણી લડવા માટે મારી પાસે અધધધ નાણા નથી. આ પ્રામણિક નાણામંત્રી માટે મનમાં પ્રશ્ર્ન થાય છે કે આ બીજા કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડયા તેમને આ નિર્મળાબેન જેવો પ્રશ્ર્ન કેમ નહીં નડયો હોય ?

કેજરીવાલને સુપ્રીમ કોર્ટે છોડયા, તેના ઉપર કૉમેન્ટ ના થાય પણ બહાર આવ્યા તો આ પંચોતેર વર્ષે નિવૃત્તિવાળું અને ત્યાર બાદ વડાપ્રધાન પદ માટે યોગી અને અમીતભાઈ વડાપ્રધાનપદ માટે સ્પર્ધામાં છે એવું અળવીતરું કર્યું. કેજરીવાલ ગુજરાત વિરોધી છે અને એટલે રાષ્ટ્રવિરોધી છે. માટે ગુજરાતમાં જનતાની મરજી ચાલશે તો ઓછામાં ઓછી પાંચ બેઠકો બનાસકાંઠા, પાટણ, આણંદ, ભરૃચ અને વલસાડ સીટ માટે જોખમ અને સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર પર ધબંધબા હોવાનું સ્પષ્ટ થતું જાય છે. કહેવાય છે, ધાર્યું ધરણીધરનું થાય ! મન મૂકીને મતદાન વરસે. ત્યારે એક સામાન્ય માણસને જેને કંઈ લેવાનું પણ નથી અને દેવાનું પણ નથી, શું ફરક પડે ? સનાતની તરીકે કોઈ પણ પાર્ટી ગમે તે કહેતી હોય એમના આરાધ્ય ગુરુ તો શંકરાચાર્યજી જ છે. એમને છોડી બીજા માટે બોલીએ તો ભગવાનને તો ઠીક પણ ભગવાન સ્વરૃપે આપણામાં જે વસે છે તે અંતરાત્માને પણ છેતરીએ છીએ.