નવીદિલ્હી : લોક્સભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલાના મતદાન પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો રેકોર્ડ સામાન જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા સામાનમાં રોકડની સાથે માદક દ્રવ્ય અને કિંમતી ધાતુઓ પણ સામેલ છે.
એક અહેવાલ પ્રમાણે ૧ માર્ચ બાદથી દરરોજ સરેરાશ ૧૦૦ કરોડ રૂપિયાની કિંમતના સામાનની જપ્તી કરવામાં આવી રહી છે. ચૂંટણીના એલાન બાદથી અત્યાર સુધીમાં ૪,૬૫૦ કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ રકમ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતા પણ ઘણી વધારે છે.
પંચે કહ્યું છે કે આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી પંચે કહ્યું કે, આ કાર્યવાહી સામાન્ય જનતા, આવકવેરા વિભાગ, કસ્ટમ્સ, એક્સાઈઝ, સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની મદદથી કરવામાં આવી રહી છે.
સૌથી વધુ કેશ તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુમાંથી ૫૩ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણાથી ૪૯ કરોડ રૂપિયા, મહારાષ્ટ્રથી ૪૦ કરોડ રૂપિયા અને કર્ણાટક અને રાજસ્થાનથી ૩૫-૩૫ કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરવામાં આવી છે. ગત લોક્સભા ચૂંટણીમાં ૮૪૪ કરોડ કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. આ વખતે અત્યાર સુધીમાં ૩૯૫ કરોડ કેશ જપ્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે ગત ચૂંટણીમાં ૩૦૪ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ વખતે અત્યાર સુધીમાં ૪૯૦ કરોડ રૂપિયાના દારૂની જપ્તી કરવામાં આવી છે. ડ્રગ્સ કે માદક દ્રવ્યનો આંકડો ૧૨૮૦ કરોડની સામે ૨૦૬૮ કરોડ છે.