લોક્સભા ચૂંટણીમાં ૩૭ બેઠકો જીતનાર સપાના તમામ વિજેતા સાંસદોનું મુંબઈમાં સ્વાગત કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ સમાજવાદી પાર્ટીએ પોતાની વિશ્ર્વસનીયતા બનાવવાનું શરૂ કરી દીધું છે. એવું લાગે છે કે સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્રમાં પોતાનું ’મિશન મુંબઈ’ શરૂ કરી દીધું છે. પાર્ટીએ કહ્યું કે અમે દેશને બચાવવા માંગીએ છીએ. અમે દેશમાં ત્રીજા પક્ષ બની ગયા છીએ. આ સાથે પાર્ટીએ કહ્યું કે અમે યુપીથી અમારા તમામ ૩૭ સાંસદોને ૧૯ જુલાઈએ મુંબઈ બોલાવી રહ્યા છીએ. રંગ શારદામાં કાર્યક્રમ છે. આ પહેલા આપણે સૌપ્રથમ મણિ ભવન, ચૈત્ય ભૂમિ અને શિવાજી મહારાજની પ્રતિમા જઈશું.

સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાની રાજકીય શતરંજની પાટ નાખવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી રહી છે. પાર્ટીએ કહ્યું કે મહારાષ્ટ્ર સમાજવાદીઓનો ગઢ રહ્યો છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં સીટો મેળવવા માટે તમામ પ્રયાસ કરીશું. લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું, “આપણે મહારાષ્ટ્રમાં સમાજવાદ લાવવાનો પ્રયાસ કરીએ. અમે જગ્યા લેનારા છીએ, આપનારા નથી.

પાર્ટીના નેતાઓએ કહ્યું કે જે રીતે અઘાડી ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, તે જ રીતે મહારાષ્ટ્રમાં પણ લડવી જોઈએ. અમે હજુ સુધી સીટ ફાળવણી અંગે ચર્ચા કરી નથી. જો કે અખિલેશ યાદવ આ અંગે ચર્ચા કરી રહ્યા છે. આવનારી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તેના વિરોધીઓને કોઈપણ રીતે ફાયદો ન થાય તે માટે પ્રયાસ કરી રહી છે.

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. આ દરમિયાન તેમણે વિધાન પરિષદની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. અબુ આઝમીએ કહ્યું કે વિધાન પરિષદની ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક ભૂલો થઈ છે. શરદ પવારે જે કહ્યું તેની સાથે અમે પણ સહમત છીએ. આઝમીએ વધુમાં આરોપ લગાવ્યો કે કટ્ટરવાદીઓએ વિશાલગઢમાં અમારી મસ્જિદ તોડી પાડી છે. જો કોઈ ધામક આસ્થાને નુક્સાન પહોંચાડે છે તો તેની સામે આતંકવાદના કાયદા લાગુ કરવા જોઈએ.