નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે. આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, દરેક ભાષામાં બોલતા એક્સાથે એક વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા સપના ઉડાન ભરી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ભાજપે રીલીઝ કરેલા આ ગીતને ૧૨ અલગ-અલગ ભાષાઓમાં ગાવામાં આવ્યું છે અને રાષ્ટ્રની એક્તાને દર્શાવવામાં આવી છે. વિવિધતામાં કેવી રીતે ભારતમાં એક્તા છે તે જોવા મળી રહ્યુ છે. આ ગીતમાં અંતે હજારો લોકો વડાપ્રધાન મોદીની એકીકૃત શક્તિનું પ્રતિનિધિત્વ કરતું એક વિશાળ કોલાજ બનાવવા માટે ભેગા થતા જોવા મળે છે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા આ ગીતના વીડિયોમાં એ વાતને રેખાંક્તિ કરવામાં આવી છે કે કેવી રીતે વડાપ્રધાન મોદીએ તેમના વચનો અને લોકોના સપના પૂરા કર્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ચૂંટણી પ્રચાર માટે એક થીમ સોંગ રિલીઝ કર્યું હતું. જેમાં પણ ગીતની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે સપના નહીં હકીક્ત વણીએ છીએ,તેથી જ મોદીને પસંદ કરીએ છીએ’
આ ગીતમાં એવુ દર્શાવવામાં આવ્યુ છે કે વર્ષોથી દેશના હાલ બેહાલ હતા અને વિકાસ ધીમો પડી ગયો હતો, જે પછી દેશના લોકોએ મત આપીને નમો એટલે કે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. જે પછી નરેન્દ્ર મોદીએ પણ જનતાને આપેલુ વચન પુરુ કર્યુ.ઉન્નત દેશના સપનાએ તે પછી ઉડાન ભરી અને જનહીતમાં હોય તેવો માર્ગ અપનાવીને આગળ વધતા રહ્યા.