લોકસભા ચુંટણી-2024માંં પ્રથમવાર મતદાન કરવા ઉત્સુક સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની તમામ મતદારોને અચૂક મતદાન કરવા વિશેષ અપીલ

  • દાહોદવાસીઓ – વટ થી વોટ કરો..!
  • મતદાન કરવા માટે સંકલ્પની જરૂર છે વિકલ્પની નહીં
  • -આપણો એક વોટ આપણું ભવિષ્ય નિર્માણ કરે છે.

દાહોદ, લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં સમગ્ર દાહોદ જીલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈપણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લા ચૂંટણી તંત્ર હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત તમામ મતદાતાઓ તેમજ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને આવનાર ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે દાહોદ સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ અપીલ કરી છે.

તેઓ મતને અમૂલ્ય દાન માની આજનો દરેક યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને એને પોતાની જવાબદારી માનીને મે મહિનાની 7 તારીખે અવશ્યપણે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.

મતના અધિકાર અંગે હજુ ઘણા લોકોમાં નિરાશા જોવા મળે છે. માનસિકતા એવી છે કે, હું મત નહીં આપું તો એક મત ઓછો પડશે, એનાથી શું ફરક પડવાનો છે ? આવી વિચારધારા લઈને ફરતા મતદારોએ વિચાર કરવાનો છે કે, શું ચૂંટણી તંત્રના પરિશ્રમને સાર્થક કરવા, માત્ર દસ મિનિટ કાઢીને મતદાન કરવાની તેમની ફરજ નથી???

દાહોદ સરકારી ઈજનેરી કોલેજમાં સ્થાનિક, અન્ય જીલ્લા તેમજ રાજ્યમાંથી પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અભ્યાસાર્થે આવેલ કોલેજના વિદ્યાર્થીઓ લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો પ્રથમ મત આપવા તરફ પોતાનું પહેલું પગથિયું ચડવા જઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ મત આપવા માટે થઈને ખુબ જ એક્સાઇટેડ છે તેમજ તેઓ પોતાના પ્રથમ મતદાનની યાદગીરી રૂપે કંઈક વિશેષ કરવાનું વિચારી રહ્યા છે, તેમ કોલેજના યુવા મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરતા સરકારી ઈજનેરી કોલેજના ઉત્સાહી પ્રોફેસર ઇશાક શેખે જણાવ્યું હતું. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવા મતદારોની મતદાન પ્રત્યેની પ્રક્રિયામાં અચૂક પણે સામેલ થવું જોઈએ, તેવો અભિપ્રાય આ નવયુવા મતદારો વ્યક્ત કરી રહ્યા છે.

આવો, આપણે અહીં વાત કરવાની છે પ્રથમ વાર મતદાન કરવા માટે કાગડોળે રાહ જોઈ રહેલા એવા વિદ્યાર્થીઓની કે જેઓ મત આપવાના પોતાના હક તરફનું પ્રથમ પગલું ભરવા જઈ રહ્યા છે. એ તમામ વિદ્યાર્થીઓના મંતવ્ય અને લોકશાહી ચૂંટણીને લઈને એમના વિચારો એમના જ શબ્દોમાં જાણીએ.

પ્રસુન ચતુર્વેદી કે જે સુરતથી એન્જીયરિંગ કરવા અર્થે દાહોદ સરકારી કોલેજમાં અભ્યાસ કરે છે એ મતદાન અંગે જણાવતાં કહે છે કે, ” લોકશાહીના આ પર્વમાં મત આપવો એ મારા ઉજ્જવળ ભવિષ્યના નિર્ણય માટેનું પ્રથમ પગથિયું હશે જેથી કરીને હું મત આપવા જરૂર જઈશ.”

બંસરી સથવારા મતદાન વિશે પોતાની વાત રજૂ કરતાં જણાવે છે કે, ” મને ગર્વ છે કે હું એવા દેશની નાગરિક છું કે જ્યાં દરેક નાગરિકને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવાનો સંપૂર્ણ અધિકાર છે. સૌએ પોતાના બેટર ફ્યુચર માટે વોટ આપવો જરૂરી છે.”

ટુન ટુન કુમાર શર્મા પોતે બિહારના વતની હોવા સાથે દાહોદ સરકારી ઈજનેરી કોલેજમાં અભ્યાસ કરે છે. તેનું કહેવું છે કે, “ભારત એક એવો દેશ છે જ્યાં દરેક લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વોટ આપી પોતાની પસંદગીની યોગ્ય સરકાર રચી શકે છે. જેનો હવે અવસર મળ્યો છે તેને કોઈએ પણ ગુમાવવો જોઈએ નહીં.”

રબાબ ઉદેપુર કહે છે કે, ” લોકશાહીના આ પર્વમાં મને ભાગીદારી કરવા મળશે એ માટે હું ખુબ જ ખુશ અને આતુર છું. મારા દરેક મિત્રોને ચોક્કસ મતદાન કરી પોતાનો હક અદા કરવા અપીલ કરૂં છું.

તોહરે રાવતએ તમામ યંગસ્ટર્સને સંબોધતાં જણાવ્યું હતું કે, ” યંગસ્ટર્સે પોતાની ફરજ અને એક-એક મતના મહત્વને સમજીને પરિવાર સહિત અચૂકપણે મતદાન કરવું જોઈએ. કારણ કે, આપણો વોટ જ આપણું ભવિષ્ય નિર્માણ કરે છે. ”

રાહી પટેલે પોતાની વાત મુકતાં કહ્યું હતું કે, ” હું મતદાન કરવા ઘણી જ એક્સાઇટેડ છું. મારા બ્રાઇટ ફ્યુચર માટે મારો મત જ મારા ફ્યુચરનો આધારસ્તંભ હશે. ”

દેવકાન્ત માઈટી કે જે મેટ્રો સીટી અમદાવાદથી દાહોદ ઈજનેરી કોલેજ ખાતે પોતાનું ફ્યુચર બનાવવા દાહોદ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. તે મતદાન અંગેનો પોતાનો વિચાર રજૂ કરતાં કહે છે કે, ” વોટ આપવો એ આપણો અધિકાર છે. ફક્ત એક વોટથી પણ આપણા દેશની સ્થિતિ બદલાઈ શકે છે.”

જો પ્રથમ વાર મત આપવા જશે એવા આ નવયુવા મતદારો ભારતના બંધારણને આટલી સરળતાથી સમજી શકતા હોય અને મતદાન માટે આવો અનોખો જુસ્સો ધરાવતા હોય તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા પોતાના તેમજ પરિવાર માટે મતદાન કરવા માટે આટલું ન કરી શકીએ..!

અમે તો વોટ કરીશું જ – અને તમે…?

તો ચાલો, દાહોદવાસીઓ – કરો વોટ વટથી..!