નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ AIMIM પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે હવે આ વચ્ચે પાર્ટીએ આગામી ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ ઉમેદવારોમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે.
ઉમેદવારોના નામની જાહેરાત કરતા ઓવૈસીએ કહ્યું કે, ઔરંગાબાદથી ઈમ્તિયાઝ જલીલ એઆઇએમઆઇએમના ઉમેદવાર હશે જ્યારે કિશનગંજથી અખ્તરુલ ઈમાન ચૂંટણી મેદાનમાં ઉતરશે. બાજી તરફ હૈદરાબાદથી પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ખુદ ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેદવારો પર ચર્ચા કરી રહ્યા છે. ત્યાં ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
હાલમાં ઓવૈસીએ એ નથી જણાવ્યું કે એઆઇએમઆઇએમ બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલી સીટો પર ચૂંટણી લડશે. આ અગાઉ સૈયદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રમાં ૬ સીટો પર ચૂંટણી લડશે. પાર્ટી મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, ધુલે ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ ભાગમાં વિદર્ભ મતવિસ્તારમાંથી પોતાનાના ઉમેદવારો ઉતારશે.
ઓવૈસીની બિહાર અને યુપીમાં ચૂંટણી લડવાની જાહેરાતથી ઇન્ડિયા ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસીના ઉમેદવારો ચૂંટણી દરમિયાન મુસ્લિમોના વોટ કાપી શકે છે. ગત લોક્સભા ચૂંટણીમાં ઈમ્તિયાઝ જલીલ ઔરંગાબાદ બેઠક પરથી જીત્યા હતા જ્યારે ઓવૈસી હૈદરાબાદથી સાંસદ છે. અખ્તારુલ ઈમાન બિહાર વિધાનસભાથી ધારાસભ્ય છે.