નવીદિલ્હી, કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સામ પિત્રોડાના નિવેદનોથી કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. તેમણે કહ્યું કે હવે તેમનો મેનિફેસ્ટો બનાવવામાં સામ પિત્રોડાની મહત્વની ભૂમિકા છે. અમિત શાહે કહ્યું, ‘જ્યારે મોદીજીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સમગ્ર કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બેકફૂટ પર આવી ગયા હતા, હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી તેના મેનિફેસ્ટોમાંથી આ મુદ્દો પાછો ખેંચી લેશે.’
અમિત શાહે કહ્યું, ‘આજે સામ પિત્રોડાના નિવેદનથી દેશ સમક્ષ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો છે. પહેલા તેમના મેનિફેસ્ટોમાં ‘સર્વે’નો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન જે કોંગ્રેસનો વારસો છે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે, અને હવે સંપત્તિની વહેંચણી પર અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાની ટિપ્પણી પર ચર્ચા થવી જોઈએ.
અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાએ કહ્યું કે ૫૫ ટકા સંપત્તિ સરકારી તિજોરીમાં જાય છે. આજે સામ પિત્રોડાએ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી દીધો છે, તેઓ લોકોની ખાનગી મિલક્ત સરકારી તિજોરીમાં મૂકીને લઘુમતીઓમાં વહેંચવા માગે છે. તેમણે કહ્યું, ‘તેઓ દેશના લોકોની અંગત સંપત્તિનો સર્વે કરવા માગે છે. તેને સરકારી મિલક્તમાં રાખવા માગે છે અને યુપીએ શાસન દરમિયાન નિર્ણય મુજબ તેનું વિતરણ કરશે. કોંગ્રેસે કાં તો તેને તેના મેનિફેસ્ટોમાંથી પાછું ખેંચી લેવું જોઈએ અથવા સ્વીકારવું જોઈએ કે આ ખરેખર તેમનો ઈરાદો છેપ હું ઈચ્છું છું કે લોકો સામ પિત્રોડાના નિવેદનને ગંભીરતાથી લે. તેમનો ઈરાદો હવે પ્રકાશમાં આવ્યો છે, લોકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ”