લોકાભિમુખ વહીવટના 20 વર્ષ, સ્વાગત સપ્તાહની ઉજવણી, પંચમહાલ જિલ્લો : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા,મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તા.24મી એપ્રિલ, 2003ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્ર્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરાઈ છે.ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્ર્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે.સ્વાગત સપ્તાહની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષાઅનેતાલુકાકક્ષા બાદ આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયે રાજ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં વર્ચૂઅલી માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તમામ જિલ્લા અને તાલુકાઓ પણ જોડાયા હતા અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધવામાં આવ્યો હતો.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા માંથી કુલ 13 અરજાદારો દ્વારા વિવિધ પ્રશ્ર્નો બાબતે રજુઆત કરાઈ હતી અને તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પણ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના તમામ સાતેય તાલુકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાંવિવિધ 614 અરજીઓના હકારાત્મક નિકાલ માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમા,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિઆ, ગોધરાપ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત,નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર, સર્વ મામલતદારઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.