લોક્સભા સાથે ૫ રાજ્યોની વિધાનસભામાં પણ ઇન્ડિયા સાથે મળી ચુંટણી લડી શકે છે

  • ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ભોપાલમાં મોંઘવારી, બેરોજગારી અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રેલી યોજાશે.

નવીદિલ્હી,ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇક્ધ્લુઝિવ એલાયન્સ (ઇન્ડિયા) લોક્સભા સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ સાથે મળી લડી શકે છે.ઇન્ડિયા એલાયન્સના સભ્ય પક્ષ અને રાજ્ય એકમો પોતાની વચ્ચે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરશે.ઇન્ડિયા એલાયન્સ સંકલન સમિતિની બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ભોપાલમાં મોંઘવારી, બેરોજગારી અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રેલી યોજાશે.

સમિતિની બેઠકમાં ટીએમસીનો કોઈ પ્રતિનિધિ હાજર નહોતો. સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે બદલાની રાજનીતિના ભાગરૂપે નેતા અભિષેક બેનર્જીને બોલાવ્યા છે. આથી બેનર્જી સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.ઇન્ડિયા એલાયન્સ એ પણ નિર્ણય લીધો છે કે ટીવી ચેનલો પર સરકારના એજન્ડાને આગળ ધપાવનારા એક્ધરોના કાર્યક્રમોમાં પોતાના પ્રતિનિધિઓને નહીં મોકલે.

કોંગ્રેસના નેતા ગુરદીપ સિંહ સપ્પલે કહ્યું કે ઇન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોના રાજ્ય એકમો ટૂંક સમયમાં સીટ વહેંચણીને લઈને પોતાની વચ્ચે ચર્ચા શરૂ કરશે. આ સાથે રાજ્ય સ્તરે પણ ગઠબંધનની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવશે. સીપીઆઈ નેતા ડી. રાજાએ કહ્યું કે ઘટક પક્ષો ગઠબંધનમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડી શકે છે. અન્ય રાજ્યોમાં પણ આ શક્યતા છે.

ઇન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોના એકમો રાજ્ય સ્તરે બેઠકોની વહેંચણીને લઈને પોતાની વચ્ચે ચર્ચા કરશે. જો કોઈ પણ રાજ્યમાં સીટોની વહેંચણીને લઈને કોઈ મુશ્કેલી ઉભી થશે તો તે આ મુદ્દો તેના સંબંધિત કેન્દ્રીય નેતૃત્વને મોકલશે. સંબંધિત પક્ષોની કેન્દ્રીય નેતાગીરી પોતાની વચ્ચે ચર્ચા કરીને વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરશે. સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાનના જણાવ્યા અનુસાર ૩૧ ઓક્ટોબર સુધીમાં સીટ વિતરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સંકલન સમિતિની બેઠકમાં સરકારના એજન્ડા અંગે મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી. કમિટીએ મીડિયા-સંબંધિત પેટા-જૂથને તે નક્કી કરવા માટે અધિકૃત કર્યા છે કે કયા ટેલિવિઝન એક્ધરના કાર્યક્રમોમાં ઇન્ડિયા એલાયન્સના પ્રતિનિધિઓને મોકલવા જોઈએ નહીં. મીડિયા સંબંધિત સબગ્રુપે આવા એક ડઝન જેટલા ટીવી એક્ધરની પણ ઓળખ કરી છે. પેટા જૂથ આ અંગે ચર્ચા કરશે અને અંતિમ નિર્ણય લેશે.

એક નેતાના કહેવા પ્રમાણે ઇન્ડિયા એલાયન્સ દેશના અલગ-અલગ રાજ્યોમાં મહિનામાં બે વાર સંયુક્ત રેલીઓ યોજવાની તૈયારી કરી રહ્યું છે. જો પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સના પક્ષો વચ્ચે સમજૂતી થઈ જશે તો ભોપાલ બાદ અન્ય ચૂંટણી રાજ્યોમાં સંયુક્ત રેલી યોજાશે. તેમાં તમામ પક્ષોના નેતાઓ ભાગ લેશે.

આ બેઠક નવી દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને થઈ હતી. શરદ પવાર ઉપરાંત કોંગ્રેસના કેસી વેણુગોપાલ, ડીએમકેના ટીઆર બાલુ, આરજેડીના તેજસ્વી યાદવ, જેડીયુના સંજય ઝા, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, શિવસેના (યુબીટી)ના સંજય રાઉત, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, પીડીપીના મહેબુબા મુતી, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાન અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હાજરી આપી હતી. આ સમિતિમાં કુલ ૧૪ સભ્યો છે, પરંતુ બુધવારની બેઠકમાં બે પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહી શક્યા ન હતા. તૃણમૂલના મહાસચિવ અભિષેક બેનર્જી ઈડી સમક્ષ હાજર થવાને કારણે મીટિંગમાં હાજર રહ્યા ન હતા. તે જ સમયે, સીપીઆઇએમએ હજુ સુધી આ સમિતિ માટે તેના પ્રતિનિધિની પસંદગી કરી નથી.