એક બાજુ લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને રાજકીય ગતિવિધિઓ ધીમે ધીમે તેજ બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ રાજીનામા બાદ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે અને હવે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લેવાયા બાદ અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે. તે મામલે થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે.
અર્જુન ખાટરિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં હું ભાજપમાં જોડાઈશ. એક બાજુ દેશમાં અયોધ્યામાં આયોજિત ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ ભર્યો માહોલ છે ત્યારે અમારી લાગણી તેમની સાથે જોડાયેલ છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રાથી હું પ્રભાવિત છું. દેશ જ્યારે વિકાસના દ્વારે આગળ વધી રહ્યો હોય ત્યારે તેમાં સહભાગી થવાનો અવસર મને પણ મળતો હોવાથી હું આકર્ષાયો છું. અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવનું સપનુ સાકાર થતા હું પ્રભાવિત થયો છું સાથે જ બીજા ઘણા કાર્યકર્તાઓ પણ મારી સાથે ભાજપમાં જોડાઈ શકે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં 25 વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ કોંગ્રેસને મજબૂત કરવામાં અમારું પણ ખૂબ યોગદાન છે. જ્યારે કોંગ્રેસ જિલ્લામાંથી નાબૂદ થઈ રહી હતી ત્યારે અમે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં ટકાવી રાખી હતી. હવે ભાજપ સાથે જોડાઈને અમારી લાગણીને પ્રધાનમંત્રી સુધી પહોંચાડશું.
નોંધનિય છે કે અર્જુનભાઈ પક્ષ પલટો કરે તે પૂર્વે જ તેમને હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હટાવાયા છે. અર્જુન ખાટરીયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 15, 397 મતથી હાર્યા હતા.