લોકપ્રિય કોમેડિયન મયિલસામી હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ મોત

મુંબઇ,

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક સતત દુ:ખદ ઘટનાઓ બને છે. બોલિવૂડથી લઈ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં જ એક્ટર શાહનવાઝ પ્રધાનનું હાર્ટ અટેકથી મોત થયું, પછી જુનિયર NTRના કઝિન ભાઈ તારકનું પણ હાર્ટ અટેકથી અવસાન થયું. હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કોમેડિયન આર મયિલસામીનું અવસાન થયું છે. ૫૭ વર્ષીય મયિલસામીએ ૧૯ ફેબ્રુઆરીએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.

ટ્રેડ એનાલિસ્ટ રમશે બાલાએ સો.મીડિયામાં મયિલસામીના અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક્ટરને સવારમાં બેચેની જેવું લાગતું હતું અને પરિવાર તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલમાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.વધુમાં રમેશે બાલાએ કહ્યું હતું કે તબિયત ખરાબ થતાં પરિવારના સભ્યો મયિલસામીને પોરુર રામચંદ્ર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેમણે રસ્તામાં જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. પછી ડૉક્ટર્સે પણ અવસાનની પુષ્ટિ કરી હતી.

મયિલસામીનો અંતિમ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે ડબિંગ સ્ટૂડિયોમાં અપકમિંગ ફિલ્મ ’ગ્લાસમેટ’ માટે ડબિંગ કરતા હતા. સો.મીડિયામાં ચાહકો ને સેલેબ્સ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

મયિલસામીએ એક્ટિંગ કરિયરની શરૂઆત ’ધવાની કાનવુગલ’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેમણે નાનો રોલ પ્લે કર્યો હતો. પછી તેમણે ઘણી ફિલ્મમાં કોમેડી રોલ કર્યા હતા. તેમને તમિળનાડુ સરકારે બેસ્ટ કોમેડી એક્ટરનો અવૉર્ડ પણ આપ્યો હતો. તેઓ ટીવી હોસ્ટ તથા થિયેટર એક્ટર તરીકે પણ લોકપ્રિય હતા. કોરોનાકાળમાં તેમણે જરૂરિયાતમંદ લોકોને ઘણી જ મદદ કરી હતી.