લોભને થોભ નહીં,પાટણના ચાર યુવકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં

લોભને થોભ નહીં તે કહેવત આજે પણ પહેલા જેટલી સાચી છે. ઠગાઈના આટલા કિસ્સા બહાર આવવા છતા અને સાઇબર ક્રાઇમ અંગે ચેતવણી આપવા છતાં પણ લોકોને હજી પણ લોભ અને લાલચ જતાં નથી. પાટણના ચાર યુવકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં છે.

પાટણના ચાર યુવકો પાસેથી વિદેશ જવાના બ્હાને રીતસરનો વિઝા ફ્રોડ આચરવામાં આવ્યો છે. તેમની સાથે રૂ. ૩.૧૫ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં નોકરી આપવાનો વિશ્ર્વાસ કરીને આ ઠગાઈ આચરવામાં આવી હતી. ફેસબૂક થકી જોર્ડનમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયાની જાહેરાતથી સંપર્ક કરવામાં આવ્યો હતો.

યુવકોએ આ વિઝાફ્રોડ કમ સાઇબર ફ્રોડ અંગે સાઇબર સેલને ફરિયાદ કરી છે. સાઇબર સેલમાં બી ડિવિઝન પોલીસે સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મયપૂર્વ એશિયાના દેશ જોર્ડનમાં ટ્રોલી બોય તરીકેની નોકરીની જરૂર હોવાની સોશિયલ મીડિયાની જાહેરાત આવી હતી. તેમા રાહુલસિંઘ નામના અજાણ્યા શખ્સે પાટણના ચાર યુવાનોને છેતર્યા હતા. યુવકોને પોતે છેતરાયા હોવાનું લાગતા મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ પછી મોબાઇલ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. યુવકોએ ઓનલાઇન સાઇબર કમ્પ્લેન સેલ ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી.