મુંબઈ,
આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરને સંડોવતા લોન ફ્રોડ કેસમાં સીબીઆઈ દ્વારા કરાયેલી પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવવા અંગે વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતે કરેલી અરજીને અહીંની એક વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ઘરનું ભોજન, બેડ, ગાદલાં અને ખુરશીઓ માટેની અરજીઓને પણ સીબીઆઈ કોર્ટે ફગાવી દીધી હતી.
કોર્ટે તબીબી અધિકારીની સલાહ મુજબ તેમને ભોજન પૂરું પાડવા જેલ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો ૨૩ ડિસેમ્બરે સીબીઆઇએ કોચરની ધરપકડ કરી હતી, જ્યારે ધૂતની ધરપકડ ત્રણ દિવસ બાદ કરવામાં આવી હતી. હાલ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ધૂતે પોતાની ધરપકડ ગેરકાયદેસર હોવાનો દાવો કરી તેની વિરુદ્ધ અપીલ કરી, આ કેસમાંથી તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી.
ધૂતના વકીલની દલીલ મુજબ, કોચર દંપતીની ધરપકડ બાદ તપાસ અધિકારી દબાણમાં આવ્યા હોવાથી જ ધૂતની ધરપકડ કરવામાં આવી હતી. ધૂતના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોચરની પ્રથમ રિમાન્ડ સુનાવણી દરમિયાન તેમના વકીલે સવાલ કર્યો હતો કે, હજી સુધી ધૂતની ધરપકડ કેમ નથી કરાઈ, કારણકે કોચર દંપતિને ડર હતો કે કદાચ ધૂત સાક્ષી બની જશે. એટલું જ નહીં પરંતુ ધૂતની ધરપકડ નહીં કરાઈ હોવાની બાબતનો ઉલ્લેખ રિમાન્ડ ઓર્ડરમાં નોંધવામાં આવે તેવા કોચર દંપતિના વકીલે કરેલા આગ્રહથી તપાસ અધિકારીઓ પર દબાણ સર્જાતા તેમણે ધૂતની ધરપકડ કરી હતી. જોકે, વિશેષ ન્યાયાધીશ એમ આર પુરવારને આ દલીલો અયોગ્ય અને અતાર્કિક જણાતાં તેમણે ધૂતની અરજી ફગાવી દીધી હતી.