પાલનપુર,
ગુજરાતમાં વાતાવરણમાં ગરમી અનુભવાય છે, પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થાય છે, પરંતુ અત્યારથી જ ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. આ સમસ્યા એક બે વર્ષની નથી, પરંતુ દાયકાઓ જૂની છે અને ત્રીસ વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર આનો કોઈ કાયમી ઉકેલ લાવી શકી નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારો અને ઉતર ગુજરાતમા પાણીનો પ્રશ્ર્ન ખૂબ જ વિકરાળ છે અને જો ફેબ્રુઆરી મહિનાથી આ હાલત હોય તો એપ્રિલ-મેમાં શા હાલ થતાં હશે તે કલ્પના પણ ભયાવહ લાગે છે.
ઉત્તર ગુજરાતના પાલન પુરના મલાણા ગામની જ વાત લઈએ તો અહીં એક અઠવાડિયાથી પાણીનું ટીપું પણ ગ્રામવાસીઓએ જોયું નથી. જવાબદાર અધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ, મોટી મોટી વાતો કરતા લોકપ્રતિનિધિઓ તમામ ખુલ્લી આંખે માત્ર લોકોની વ્યથા જોઈ રહ્યા છે, તેવું અહીંના રહેવાસીઓ કહે છે. અહીંના રહેવાસીના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા એક અઠવાડિયા થી પાણીનું એક ટીપ્પુ આવ્યું નથી. ગ્રામજનો પાણીના એક ઘડા માટે દરદર રખડતા થઈ ગયા છે અનેક મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ભર શિયાળે ઘોર નિંદ્રા માં ઊંઘી રહ્યું જાણે ગામમાં કોઈ રણીધણી ના હોય તેમ લોકો ને હવે પાણીના ટીપ્પા માટે પણ દરદર ભટકવું પડી રહ્યું છે અત્યારે લગ્ન મહોત્સવ ની રમઝટ જામી છે પરંતુ ગ્રામજનો પાણી માટે વલખા મારી છે ના કોઈ સાંભળવા વાળું છે કે ના કોઈ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા વાળું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં ઉત્તર ગુજરાતે પણ ભાજપને ઘણી બેઠકો પર વિજય અપાવ્યો હતો. અહીંના ઘણા વિસ્તારો વિકાસથી વંચિત જ રહ્યા છે. ત્યારે લોકોને આકાશ આંબવાના વાયદાઓ કરતી સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ ન આપી શકે.