લો બોલો… હવે દારૂ પણ નકલી!:કડીમાં ખેતરની ઓરડીમાં ધમધમતી હતી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી

કડી પોલીસે બુધવારે રાત્રે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા બે શખસની ધરપકડ કરી છે અને 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

આ ઘટના દર્શાવે છે કે બૂટલેગરો કાયદાનો ભય રાખ્યા વિના ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સમગ્ર ગુજરાત અને દેશમાં નકલી વસ્તુઓનું ચલણ વધ્યું છે, જેમાં નકલી પોલીસ અધિકારી, PMO કર્મચારી અને ખાદ્ય પદાર્થોના કેસો સામે આવ્યા છે.

કડી પોલીસ સ્ટેશનના PI એ.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ PSI રાજેન્દ્ર પાટીલ અને તેમની ટીમ પ્રોહિબિશનની કામગીરી અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે અચરાસણ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ધમધમી રહી છે. પોલીસે રેડ દરમિયાન ઓરડામાંથી નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કડી પોલીસને માહિતી મળી હતી કે કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતર આવેલું છે, જેમાં ઓરડી છે એની અંદર કેટલાક ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે. એ આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. વિદેશી દારૂ બનાવતા ગગન જયંતીભાઈ (રહે બુડાસણ, તાલુકો કડી) અને હર્ષદ મગનભાઈ વાઘેલા (રહે બુડાસણ, કડી) ઓરડીના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બૂચ બંધ કરી રહ્યા હતા. તેમને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ ઉપરથી અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61,300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું. આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી, આલ્કોહોલ ભેળવી એની અંદર કલર, માલ્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. આ સાથે પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22,500 પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે મિની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 1,29,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, સાથે જ ઝડપાયેલા બંને શખસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે કહ્યું હતું કે, કડી પોલીસને કેટલા દિવસથી માહિતી મળી હતી કે કડી વિસ્તારમાં કેટલાક લોકો કેમિકલ ભેળવી વિદેશી દારૂ બનાવી રહ્યા છે. કડી તાલુકાના અચરાસણ ગામની સીમમાં આવેલી એક જગ્યાની અંદર રોયલ ચેલેન્જ વિસ્કીની ખાલી બોટલની અંદર વિવિધ કેમિકલ, એસેન્સ તેમજ હલકી ગુણવત્તાનો જે દારૂ છે તે ભેળવી બોટલ તૈયાર કરવામાં આવતી હતી.

પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ નેટવર્ક બુડાસણ ગામનો ગગન પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની મદદ હર્ષદ વાઘેલા નામનો ઈસમ કરતો હતો. આ મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે 1,29,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોપીરાઇટ સહિત વિવિધ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવેલું છે, છેલ્લા કેટલાક સમયથી આ વેચાણ ચાલી રહ્યું છે તેમજ આ મામલે કોણ કોણ સામેલ હતું તેમજ દારૂ ક્યાં વેચાણ થતો હતો તે બાબતની તપાસ ચાલી રહી છે.

શંકાસ્પદ 43000 કિલો ઘીનો જથ્થો ઝડપાયો મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીએ 3 મહિના પહેલાં કડી GIDCમાં આવેલાં પાંચ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. એ તમામ ગોડાઉન ભાડે ચાલતાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરીને ઘી બનાવવામાં આવતું હતું. જોકે એલસીબી દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઇને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દશેરાના તહેવારની સમી સાંજે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. મહેસાણા ફૂડ વિભાગ અને મહેસાણા એલસીબી દ્વારા માહિતીના આધારે કડી GIDCમાં આવેલા રાજરત્ન એસ્ટેટમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ રૂ. એક કરોડથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરી ઘીના નમૂના લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રૂ. 1.24 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી 24,297 કિલો લૂઝ ઘી, 4979 કિલો લૂઝ પામોલીન, 8036 કિલો રિફાઇન પામોલીન અને અંદાજિત 5700 કિલો ફોરેન ફેટનો જથ્થો સીઝ કર્યો હતો. કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. એની કિંમત રૂ. 1.24 કરોડ રૂપિયા છે.