લો..બોલો હવે MLAના ખોટા સહી-સિક્કા:સુરતમાં કુમાર કાનાણીના ફેક સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ, MBAના વિદ્યાર્થીનું કારસ્તાન

સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. MBAનો વિદ્યાર્થી છેલ્લા સાડા ત્રણ મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો હતો. કાપોદ્રા પોલીસને બાતમી મળતા એક ઓપરેશન હાથ ધરી 26 વર્ષીય દિપક પટનાયકની ધરપકડ કરી છે. MBAનો અભ્યાસ કરતો યુવક મૂળ ઓડિશાનો હોવાથી સહી-સિક્કા પણ ઓડિશાથી બનાવી લાવ્યો હતો. જેથી સહી-સિક્કા બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે.

ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ ગતરોજ(1 એપ્રિલ) સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીદાર મારફતે ચોકકસ બાતમી મળી હતી કે, દિપક પટનાયક નામનો શખસ આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ-સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી-સિક્કાઓ બનાવી, ગ્રાહકો પાસેથી રૂપીયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટો ઉપર અપલોડ કરે છે.

સહી-સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, ફોર્મ સહિતનો મુદ્દામાલ જપ્ત કાપોદ્રા પોલીસે બાતમી આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દિપક કવીરાજભાઇ પટનાયક (ઉ.વ.26 ધંધો-અભ્યાસ અને કન્સલ્ટન્સી, રહે. H/3, 227, B-11, EWS આવાસ, કોસાડ, અમરોલી)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આરોપીએ ઓફિસ ભાડે રાખી હતી આરોપી દિપક કવીરાજભાઇ પટનાયકે તેના વતન ઓડીસા સંબલપુર ખાતે એક અજાણ્યા શખસ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હતા. સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલ ક્ષમા સોસાયટી ગેટ નં.4 સામે આવેલ શનીદેવ મહારાજની બાજુમાં આવેલ ઓફિસ ભાડે રાખી હતી.

પૈસા લઇ ખોટા બનાવટી આધારકાર્ડ-પાનકાર્ડ કાઢી આપતો હતો છેલ્લા સાડા ત્રણેક માસથી તેની પાસે આધારકાર્ડ તથા પાનકાર્ડમાં નામ-સરનામુ સુધારો કરાવવા માટે આવતા ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપીયા ફી લઇને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો, આધારકાર્ડ-પાનકાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલ કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા લઇ ખોટા બનાવટી આધારકાર્ડ-પાનકાર્ડ કાઢી આપવાનુ કામ કરતો હતો.

કુમાર કાનાણીના આધારકાર્ડની ઝેરોક્સ પણ મળી ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, એક ટીમ બનાવીને ઓપરેશન પાંચ કલાકમાં ક્રેક કરવામાં આવ્યું હતું. આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે. તેની પાસેથી 20થી વધુ ભરેલા ફોર્મ, જેમાં સહી સિક્કા કરેલા છે. આ સાથે 25થી વધુ કોરા ફોર્મ પણ મળ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આધારકાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે. આરોપી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ખોટા સિક્કા ઉભા કરી દુરુપયોગ કરવો એ ખૂબ ગંભીર ગુનો આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી કે કોઈ પ્રતિનિધિના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને તેનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે. કારણ કે સહી સિક્કાઓનો ઉપયોગ અનેક જગ્યાઓએ થતો હોય છે. ખોટા સિક્કા ઉભા કરી દુરુપયોગ કરવો એ ખૂબ ગંભીર ગુનો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે તે અભિનંદનને પાત્ર છે. આ પહેલા કામરેજના ધારાસભ્યના ધારાસભ્યના પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. આવા લોકો પૈસાની લાલચમાં ખોટા કામ કરતા હોય છે.

જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ

  • ડેલ કંપનીનુ મોનીટર
  • એચ.પી. કંપનીનું સી.પી.યુ
  • એચ.પી. લેઝર જેટ કંપનીનુ પ્રીન્ટર
  • થમ્બ ડીવાઇસ
  • MEMBER LAGISLATIVE ASSEMBLY SURATનો રાઉન્ડ સિક્કો
  • K.S.KANANIની સહીનો સિક્કો
  • અન્ય એક સિક્કો
  • બનાવટી સિક્કો મારેલ 10 ફોર્મ
  • ફોર્મ-49 Aમાં અલગ-અલગ શખસોના ફોટાવાળા 7 ફોર્મ
  • એક મોબાઇલ ફોન