ચંડીગઢ, પંજાબના માનસા જિલ્લાના બુધલાડા શહેરમાં એક ભયાનક ઘટના સામે આવી છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દંપતીની તેમના પરિવારજનોએ તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશ ભાખરા કેનાલમાં ફેંકી દીધી હતી. મૃતકોની ઓળખ બોહાના રહેવાસી ગુરપ્રીત સિંહ અને ગુરપ્રીત કૌર તરીકે થઈ છે. પોલીસે ૫ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આજે સંબંધોમાંથી સિદ્ધાંત અને આદર ગાયબ થયા છે. પિતા-પુત્ર કે પછી પુત્રી અને માતા હોય કે પછી પતિ-પત્નીના સંબંધોમાં આજે વૈમનસ્ય અને અનાદરની ભાવના વધી છે. આજે સંબંધોમાં વિકલ્પો વયા છે અને સમાજની પણ કુટુંબ સંગઠન પર પકડ ઘટી છે. વિભક્ત કુટુંબો વયા છે. પહેલાના સમયમાં કરતાં અત્યારે કુટુંબની પરિભાષા બદલાઈ છે. અને આ જ કારણ છે કે સંતાનો માતા-પિતાથી વિમુખ થઈ રહ્યા છે અને પતિ-પત્ની થોડા જ સમયમના સહવાસ બાદ અન્ય વિકલ્પો તરફ વળે છે. પરંતુ આ બાબત તેમના સંતાનો માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
પંજાબમાં થયેલ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ બોહાના રહેવાસી ગુરપ્રીત સિંહ અને ગુરપ્રીત કૌર તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ લિવ-ઈન રિલેશનશિપમાં હતા . ગુરપ્રીત સિંહ પહેલેથી જ પરિણીત હતો અને ૨ બાળકોનો પિતા હતો. રવિવારે જ્યારે ગુરપ્રીત સિંહ તેની ગર્લફ્રેન્ડ સાથે બોહા આવ્યો ત્યારે મહિલાના પિતા સુખપાલ સિંહે ગુરપ્રીત સિંહના પુત્ર અનમોલ જોત સિંહ અને તેના સાગરિતો ગુરબિંદર સિંહ, સહજ પ્રીત સિંહ સાથે મળીને એક અજાણ્યા વ્યક્તિ સાથે કાવતરું ઘડ્યું અને બહાને ગુરપ્રીત સિંહ અને ગુરપ્રીત કૌરની હત્યા કરી નાખી. તેઓને ખેતરમાં બોલાવીને તીક્ષ્ણ હથિયારો વડે બંનેની હત્યા કરી નાખી હતી.
આ પછી આરોપીઓએ બંનેના મૃતદેહને બોરીમાં બાંધીને કારમાં રાખીને ભાખરા કેનાલમાં ફેંકી દીધા હતા. ગુરપ્રીત કૌરનો મૃતદેહ ભાખરા કેનાલના સરદુલગઢ વિસ્તારમાંથી નીકળતા નાળામાંથી મળી આવ્યો હતો, પરંતુ ગુરપ્રીત સિંહનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.
ગર્લફ્રેન્ડના પિતા સુખપાલ સિંહે ગભરાઈને તેમના પાડોશમાં રહેતા કાઉન્સિલરને દંપતીની હત્યા વિશે જણાવ્યું. આ ઘટનાની જાણ કાઉન્સિલરને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુરપ્રીત કૌરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ગુરપ્રીત સિંહના મૃતદેહની ભાખરા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી કોઈ ધરપકડની પુષ્ટિ થઈ નથી.