ઈન્ડોનેશિયામાં લાઈવ ફૂટબોલ મેચ દરમિયાન દિલધડક ઘટના જોવા મળી હતી. અહીં પશ્ચિમ જાવામાં વીજળી પડવાથી એક ફૂટબોલર માર્યો ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના રવિવાર (11 ફેબ્રુઆરી)ની છે. આ મેચ ખરાબ હવામાનમાં રમાઈ રહી હતી. આ ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ખેલાડીનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું.
વીજળી પડતાં ફૂટબોલરના શરીરનો 90 ટકા બળી ગયો હતો. સિલિવેન્જે સ્ટેડિયમ ખાતે પશ્ચિમ જાવામાં એફબીઆઇ સુબાંગ અને એફસી બાંડુંગ ટીમ વચ્ચે મેચ યોજાઇ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ફૂટબોલર મેદાન પર ચાલીને તેની પાસે બોલ આવે તેની રાહ જોઈ રહ્યો છે. ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી અને આગ બહાર આવતી જોવા મળી હતી. આ ખેલાડી મેદાન પર પડી ગયો, જે બાદ ઘણા ખેલાડીઓ તેની નજીક દોડી આવ્યા હતા. સાથે જ કેટલાક ખેલાડીઓ જોરદાર અવાજ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા, તો ઘણા મેદાનની બહાર ભાગવા લાગ્યા હતા. ફૂટબોલરના મોત બાદ વિજળી પડવાથી ફૂટબોલરના મોત બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈએ લખ્યું ‘કેટલીકવાર તમારો દિવસ ખૂબ જ ખરાબ હોય છે’ તો કોઈએ કહ્યું કે ‘વિશ્વાસ નથી થતો કે મેચ દરમિયાન આવું થયું’.
ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે સોરાટિન અંડર-13 કપ દરમિયાન ઈસ્ટ જાવામાં યુવા ફૂટબોલર પર વીજળી ત્રાટકી હતી. જોકે, ડોક્ટરે તેને બચાવી લીધો હતો. આ ઉપરાંત ડિસેમ્બર, 2023માં બ્રાઝિલમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી ત્રાટકી હતી, જેમાં એક ખેલાડીનું મોત થયું હતું અને છને ઈજા થઈ હતી.