લીમખેડાના નિનામાના ખાખરીયા પી.એચ.સી.કેન્દ્રને તાળા જોઈ ડી.ડી.ઓ. દ્વારા નોટિસ અપાઈ

લીમખેડા,

જિલ્લા વિકાસ અધિકારી દાહોદ નેહા કુમારી દ્વારા તા.17ના રોજ લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી જયાં પ્રમુખ દરવાજાને તાળુ મારેલુ હતુ. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ અને તમામ અધિકારીઓ-કર્મચારીઓ ગેરહાજર હોવાનુ જણાયુ હતુ. અને રજા અંગે તેઓએ સંબંધિત ઉપરી અધિકારીની પુર્વ મંજુરી પણ મેળવેલ ન હતી.આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખુબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માસિસ્ટ, લેબટેકનીશીનય, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજુ કરવા કડક શબ્દોમાં નોટિસ આપવામાં આવી છે તે ઉપરાંત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નિમણુંક પામી પ્રા.આ.કેન્દ્ર પર ફરજ બજાવનાર બે સ્ટાફ નર્સ, અને વર્ગ-4ના 4 કર્મચારી સહિત કુલ 6 સ્ટાફને ફરજમાંથી છુટા કરવા એજન્સીને જાણ કરેલ છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારી લીમખેડાને તેમના હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તેમના નબળા સુપરવીઝન અને વારંવાર અધિકારી-કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્કાળજી જણાય આવતા તેઓને પણ કારણદર્શન નોટિસ ફટકારવામાં આવી છે.