લીમખેડા,લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે દાહોદ-ગોધરા હાઈવે પર એક દંપતિ રોડ પરથી પસાર થઈ રહ્યુ હતુ દરમિયાન ગોધરા તરફથી પુરપાટ દોડી આવતી કારે દંપતિને અડફેટે લેતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ.
પંચમહાલ જિલ્લાના દહીકોટ ગામના દંપતિ ગેમાભાઈ હિરાભાઈ રાવળ તથા મણીબેન ગેમાભાઈ રાવળ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે તેમની દિકરીના ધરે ખબર અંતર પુછવા માટે ગયેલ હતા. ખાનગી વાહનમાંથી પ્રતાપપુરા ગામે હાઈવે રોડ પર ઉતરીને રોડ ક્રોસ કરતી વેળાએ ગોધરા તરફથી પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લઈ આવેલ કારના ચાલકે દંપતિને અડફેટે લઈ ટકકર મારતા ગેમાભાઈ રાવળને ગંભીર ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જયાં ગેમાભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે મણીબેન ગેમાભાઈ રાવળને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ધટના અંગે પોલીસે કાર ચાલક ભુપેન્દ્ર ધનશ્યામ બારોડ(રહે.અમદાવાદ)ને ઝડપી પાડી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.