લીમખેડા વિશ્રામગૃહ પાસે નાકાબંધી દરમિયાન 1.62 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ જીલ્લાના લીમખેડા નગરગમાં વિશ્રામગૃહ પાસે રસ્તા પર દાહોદ એલસીબી પોલીસે નાકાબંધી દરમ્યાન એક બોલેરો ફોર વ્હીલર ગાડી માંથી વિદેશી દારૂનો રૂા.1,62,480ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.6,62, 480નો મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.06 જુલાઈના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડાના વિશ્રામગૃહ પાસે રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ફોર વ્હીલર ગાડી નજીક આવતાં સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક રીતેશભાઈ મકનસીંહ ચૌહાણ અને તેની સાથેનો વિશાલભાઈ હિમસીંગ બારીયા (બંન્ને રહે. મધ્યપ્રદેશ)નાઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળતાં પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.1104 કિંમત રૂા.1,62,480ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,62,480નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની પુછપરછ કરતાં તેઓની સાથે અન્ય એક ઈસમ લક્ષ્મણભાઈ ડામોર (રહે. લીમખેડા, તા. લીમખેડા, જી. દાહોદ) નો પણ હોવાનું જણાવ્યું હતું અને તે દુરથી પોલીસને જોઈ નાસી ગયો હોવાનું ઉપરોક્ત બંન્ને ઈસમોએ પોલીસને જણાવ્યું હતું.

આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.