લીમખેડા વિધાનસભા બેઠક પર આપ અને બીટીપીમાં ભંગાણ થતાં આપ પાર્ટી માટે કપરાં ચઢાણ

દાહોદ,

દાહોદ જિલ્લાની લીમખેડા વિધાનસભા બેઠકમાં આપ અને બીટીપીમાં મોટું ભંગાણ સર્જાવા પામ્યું છે. જેમાં બીટીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી પોતાના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં છે. જ્યારે લીમખેડામાં આમ આદમી પાર્ટીના વિધાનસભાના સંગઠન મંત્રી, જિલ્લા મહા સચિવ, ઉપપ્રમુખ સહિત તેઓના કાર્યકરો પણ ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કરી લેતાં વિધાનસભાની ચુંટણી સમયે લીમખેડા વિધાનસભા માટે હવે આમ આદમી પાર્ટી માટે ચુંટણી જીતવા કપરા ચઢાણ સાબીત થનાર છે.

આજરોજ લીમખેડા વિધાનસભાના બીટીપીના ઉમેદવાર રાજેશ હઠીલાએ પોતાના કાર્યકર્તાઓ સાથે સાંસદ જસવંતસિંહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કર્યો હતો જ્યારે બીજી તરફ લીમખેડાના આમ આદમી પાર્ટીના વિધાનસભાના સંગઠન મંત્રી, જિલ્લાના મહાસચિવ, ઉપપ્રમુખ વિગેરે મળી કુલ 500 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતાં. આપના સંગઠન મંત્રી એ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે તે જૂઠી રેવડીઓ વેચે છે, તે ગામડામાં જઈ તેમના ર્ક્યકર્તા લોકોને લોભ લાલચ આપી ઠગે છે. તેઓને હવાલા વિશે પૂછતાં તેઓ એ કહ્યું કે હા તેઓના હવાલાથી ઘણા જિલ્લાઓમાં રૂપિયા આવ્યાં છે અને નિષ્ઠાની વાત અરવિંદ કેજરીવાલ નાજ કરે તો સારૂં કારણકે તેઓ દાહોદ આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મેરીટ પ્રમાણે ટીકીટ આપીશું અને ખરેખર જ્યારે ટીકીટ આપવાની થઈ ત્યારે તેઓએ આયાતી ઉમેદવારો ને ટીકીટ આપી અને સંનિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના કરી હતી એટલે કેજરીવાલ માત્ર અને માત્ર જૂઠું જ બોલવા ટેવાયેલા છે અને એટલેજ દાહોદ જિલ્લાની જનતા ટીમ ઓળખી ગઈ છે અને તેમને ચુંટણીમાં પરચો બતાવશે તેવા આક્ષેપો કર્યાં હતાં. આમ લીમખેડામાં બીટીપીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં આવનાર વિધાનસભાની ચુંટણીમાં આપ માટે કપરા ચઢાણ લાગી રહ્યાં છે.