- સરકાર દ્વારા બાળકોના અભ્યાસની જે તક આપવામાં આવી રહી છે તેનો લાભ દરેક વાલીઓ સમજે અને પોતાના બાળકોના ભાવીને ઉજવળ બનાવવામાં પહેલ કરે તે ખુબ જ જરૂરી છે.- તીર્થ પટેલ(યુ.એસ.)
ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- 2024 અંતર્ગત દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકામાં ગુમણી પ્રાથમિક શાળા ખાતે હોમ ડીપાર્ટમેન્ટ, સચિવાલય (યુ.એસ.) તીર્થ પટેલ એ શિક્ષણ યાત્રામાં પગરવ માંડતા ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો
આ કાર્યક્રમમાં (યુ.એસ.) તીર્થ પટેલએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકની શિક્ષણયાત્રાની શરૂઆતને સરકાર દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાલીઓ અને શિક્ષકો પણ તેમાં પોતાની નોંધનીય ભાગીદારી નોંધાવીને બાળકોના આવનાર ભવિષ્ય માટે પોતે જાગૃત થઇ બાળકોના અભ્યાસમાં રસ દાખવીને તેમને અભ્યાસ બાબતે તમામ પ્રકારનો સપોર્ટ કરે તે આવશ્યક છે. સરકાર દ્વારા બાળકોના અભ્યાસની જે તક આપવામાં આવી રહી છે તેનો લાભ દરેક વાલીઓ સમજે અને પોતાના બાળકોના ભાવીને ઉજવળ બનાવવામાં પહેલ કરે તે ખુબ જ જરૂરી છે.
તીર્થ પટેલ (યુ.એસ.) દ્વારા ગુમણી પ્રાથમિક શાળા ખાતે બાળકોને શિક્ષણ કિટ આપી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ તીર્થ પટેલ એ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી હતી જેમાં સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ નિમિતે લાયઝન અધિકારી, ગામના સરપંચ, વાલીઓ, અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, આંગણવાડી બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.