દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામે આદમ ખોર દિપડાએ ઘરની બહાર ઉંઘી રહેલ એક મહિલા સહિત બે વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતાં બંન્ને ગંભીર ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યાં બાદ પુરૂષની હાલત નાજુક જણાતાં તેઓને વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન પુરૂષનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના વન્ય વિસ્તારમાં આદમ ખોર દિપડાનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. બે દિવસ પહેલાં લીમખેડાના ફુલપરી ગામે બે માસુમ બાળાઓને રાત્રીના સમયે મીઠી નીંદર માણી રહેલ બે માસુમ બાળાઓને ઘરની ઓસરીમાંથી દિપડાએ ખેંચી લઈ જઈ જતાં પરિવારજનોમાં બુમાબુમ થઈ જતાં દિપડાએ બંન્ને બાળાઓને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે બચકાઓ ભરી દિપડો નાસી છુટ્યાના બનાવની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં લીમખેડાના પાડા ગામે ગતરોજ રાત્રીના સમયે ઘરની બહાર મીઠી નીંદર પાણી રહેલા પાડા ગામે ચૌહાણ ફળિયામાં રહેતાં 45 વર્ષીય રમેશભાઈ રતનાભાઈ ચૌહાણ અને રામપુરીયા ફળિયામાં રહેતાં એક 60 વર્ષીય વૃધ્ધ મહિલા ચંપાબેન કનુભાઈ ચૌહાણ ઉપર આદમ ખોર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, દિપડો પ્રથમ પંચાબેનના ઘર તરફ ગયો હતો અને ત્યાંથી ચંપાબેન પર હુમલો કરી ત્યાર બાદ રમેશભાઈના ઘર તરફ ગયો હતો. બંન્ને સ્થળો પર દિપડાએ હુમલો કર્યો હતો. ત્યારે બંન્ને જગ્યાએ દિપડાના હુમલાને પગલે બુમાબુમ થઈ જતાં દોડી આવેલ બંન્નેના પરિવારજનો તેમજ ગ્રામજનો આવી જતાં દિપડો નાસી ઝુટ્યો હતો. દિપડાને હુમલાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત ચંપાબેન અને રમેશભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં રમેશભાઈની હાલત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં જાણવા મળ્યાં અનુસાર, રમેશભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દિપડાઓના હુમલાને પગલે લીમખેડાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દિપડાને પકડી પાડવા માટે કોઈ નક્કર કામગીરી ન કરતાં હોવાની પણ ગ્રામજનોમાં બુમો ઉઠવા પામી છે. અગાઉ વન વિભાગ દ્વારા ફુલપરી ગામે દિપડાને પાંજરે પુરવા માટે પાંજરા પણ મુકવામાં આવ્યાં હતા. ત્યારે ગતરોજ બનેલ વધુ એક બનાવને પગલે પાડા ગામ તરફ પણ વન વિભાગે દિપડાને પાંજરે પુરવા માટે પાંજરા મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિપડો પાંજરે પુરવામાં વન વિભાગના અધિકારીઓને સફળતાં મળશે કે નહીં તે તો આવનાર સમયજ કહેશે.