લીમખેડા રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મની ડીઝાઈનની ખામીના લીધે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે અંતર ઓછુ હોવાથી પસાર થતી ટ્રેનના મુસાફરો ભોગ બની રહ્યા છે. ત્યારે કાનપુર-બાંદ્રા ટ્રેનના મુસાફરને પગમાં ઈજાઓ થતાં ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.
દાહોદ જિલ્લામાં આવેલ લીમખેડા રેલ્વે સ્ટેશન ખાતેથી રોજ અનેક ટ્રેનો પસાર થાય છે. ત્યારે કાનપુર-બાંદ્રા ટ્રેન લીમખેડા પ્લેટફોર્મ પાસેથી પસાર થતાં ટ્રેનના દરવાજા પાસે બેસેલા મુસાફરનો પગ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી જતાં મુસાફરને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રેનનુ લીમખેડા સ્ટોપેજ ન હોવાથી ટ્રેન ગોધરા ઉભી રહેતા તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મુસાફરનો પગ લોહી લુહાણ થતાં રેલ્વે સ્ટેશનના કેટરીંગ કર્મીઓ વહારે આવીને મુસાફરને સારવાર અર્થે મોકલ્યો હતો. લીમખેડા રેલ્વે સ્ટેશન પર બનાવવામાં આવેલ પ્લેટફોર્મની ડીઝાઈનનને લઈને મુસાફરોને ઈજાઓ પહોંચવાની ધટનાઓ બને છે. અગાઉ ડીઆરએમ લીમખેડા પહોંચીને પ્લેટફોર્મની ડિઝાઈનમાં સુધારો કરવાનો સુચનાઓ આપવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા છેલ્લા એક માસમાં લીમખેડા પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનના 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. લીમખેડા રેલ્વે સ્ટેશન પર નવીન કામગીરી કરનાર કોન્ટ્રાકટરની ભુલ ટ્રેનના મુસાફરો ભોગવી રહ્યા છે.