લીમખેડાના ઝેરજીતગઢ નેશનલ હાઈવેનુ કામ કરતા કોન્ટ્રાકટરને મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

લીમખેડા,

લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામે નેશનલ હાઈવે કોરડોર રોડનુ કામ કરતા કોન્ટ્રાકટર તથા તેના સાથે કામ કરનાર કર્મચારીને ઝેરજીતગઢ ગામના ચાર ઈસમોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકાના રહેવાસી કોન્ટ્રાકટર લક્ષ્મણ આયોજન આહીર તથા તેના બે સાથી કર્મચારી ક્રિષ્ણા મુન્નાલાલ યાદવ તથા તમજીત તનવીર હુસેન રોડ સાઈડ પર કામ કરતા હતા ત્યારે ઝેરજીતગઢ ગામના ગોધરન બકુઠા નિનામા તથા બીજા ત્રણ ઈસમો હાથમાં હથિયારો સાથે આવી કામ બંધ કરો અને અહિંથી ભાગી જાઓ તેમ કહી પથ્થર મારી ડમ્પર તથા ગ્રેડર મશીનના કાચ તોડી નાંખ્યા હતા. અને ક્રિષ્ણા તથા તમજીત હુસેનને ધારીયુ મારી ઈજાઓ પહોંચાડી કોન્ટ્રાકટર લક્ષ્મણ આહિરને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ અંગે લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.