લીમખેડાના ઝાલોદ રોડ ઉપર ગેરકાયદેસર દબાણો દુર ન કરાતા અનેક પ્રશ્ર્નો ઉભા થયા

લીમખેડા,

લીમખેડામાં સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા બજાર વિસ્તારમાં ટ્રાફિક માટે નડતરરૂપ માત્ર પથારાવાળા અને હાથલારીવાળાને દુર કરવાની કાર્યવાહી કરાતા સામાન્ય લોકોમાં અનેક સવાલો ઉભા થયા હતા.

લીમખેડા બજારમાં પોલીસ કાફલાઓ રોડ પર નડતરરૂપ માલસામાન ગોઠવનાર વેપારીઓ અને પથારાવાળા સામે કાર્યવાહી કરી હતી. જયારે નગરજનોના જણાવ્યા મુજબ ઝાલોદ રોડ પર આવેલુ ગરનાળુ રેલ્વે ગરનાળુ સાંકડુ હોવાથી તેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. કારણ કે રેલ્વે ગરનાળામાંથી માત્ર એક જ વાહન પસાર થઈ શકે છે. હાલમાં હોળીના તહેવારના પગલે ખરીદી માટે લીમખેડામાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ભારે અવર જવરના કારણે ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત નગરમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંધન કરીને ગેરકાયદેસર મુસાફરોનુ વહન કરતા વાહનચાલકોના કારણે પણ ઝાલોદ રોડ અને જુના દાહોદ રોડ વિસ્તારમાં ટ્રાફિક જામ થતો હોય છે. જેથી ટ્રાફિકથી સતત ધમધમતા ઝાલોદ રોડ વિસ્તારમાં તેમજ રેલ્વે ગરનાળા પાસે ટ્રાફિક જવાનને ફરજ પર મુકવા માંગ ઉઠી છે.નગરમાં શાળા છુટવાના સમયે એક સાથે બાળકો આવતા હોય છે અને બીજી તરફ માર્ગ ઉપર મોટા વાહનો અને બીજા વાહનોની સતત અવર જવર ચાલુ જ હોય છે. ત્યારે માત્ર લારી અને પથારાવાળા સામે કાર્યવાહીના બદલે ગેરકાયદે મુસાફરો ભરી ફરતા વાહનો સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.