લીમખેડાના વડેલા ગામે યુવકનો મૃતદેહ કુવા માંથી મળીતા હત્યાનો ગુન્હો નોંધાયો

દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે એક યુવકની લાશ ગામના કુવામાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે મૃતક યુવકના પરિવારજનોને શોધી કાઢતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે મૃતક યુવકના પરિવારજન દ્વારા હત્યા સંબંધીત લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓની શોધખોળના ચક્રગતિમાન કર્યા છે.

લીમખેડા તાલુકાના વડેલા ગામે માળી ફળિયામાં રહેતાં 28 વર્ષિય મગનભાઈ ચતુરભાઈ પટેલનો ગતરોજ વડેલા ગામે છેડા ફળિયામાં આવેલ એક અવાવરૂં કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા દિવસોથી મગનભાઈનો મૃતદહે આ કુવામાં હોવાને કારણે અહીંથી પસાર થતાં લોકોને ભારે દુર્ગંધ આવતી હતી. ત્યારે ગતરોજ સ્થાનીકો દ્વારા આ અવાવરૂ કુવામાં તપાસ કરતાં કુવાના પાણી લાશ તરતી જોવા મળી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ત્યારે મળી આવેલ મૃતદેહ કોહવાઈ ગયેલ હતી. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ઘટનાને પગલે પરિવારજોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે મૃતક મગનભાઈ ભાઈ રયલાભાઈ ઉર્ફે રયજીભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા પોતાના ભાઈની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કોઈક કારણોસર હત્યા કરી મૃતદેહને કુવામાં નાંખી દીધાં હોવાની લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી.

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હત્યારાઓના ધરપકડના ચક્રોગતિમાન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.