લીમખેડાના વડેલા ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં મોત

દાહોદ,

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે રાતે બોેલેરો ગાડી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગત તારીખ 27મી માર્ચના રોજ રાતે સાડા સાત વાગ્યાના સુમારે એક ફોર વ્હીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે-20 એ.એચ-0316 નંબરની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી વડેલા ગામે રોડ પર સામેથી આવતી તોયણી ગામના 29 વર્ષીય રણજીતભાઈ ભાથુભાઈ પટેલની જીજે-20 એલ-8171 નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી પોતાની બોલેરો ગાડી લઈ નાસી જતાં મોટર સાયકલ ચાલક રણજીતભાઈ ભાથુભાઈ પટેલને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે 108 મારફતે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

આ સંબંધે તોયણી ગામે પટેલ ફળિયામાં રહેતા અર્જુનભાઈ રયલાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.