દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ પર સવારે ત્રણ પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે બેને શરીરે ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગત તા.16મી ડિસેમ્બરના રોજ લીમખેડા તાલુકાના મોટામાળ ગામે ભરવાડ ફળિયામાં રહેતો રાજવીરભાઈ સરતનભાઈ નીનામા અને તેની સાથે અજયભાઈ દિનેશભાઈ ભુરીયા તેમજ 14 વર્ષિય રાજેશભાઈ રાકેશભાઈ ભુરીયા (રહે. મોટામાળ, ભરવાડ ફળિયું, તા. લીમખેડા, જી.દાહોદ)ને મોટરસાઈકલ પર બેસાડી ત્રણેય ઉમેદપુરા ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે રાજવીરભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે ત્રણેય મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં જેને પગલે 14 વર્ષિય રાજેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે રાજવીરભાઈ તથા અજયભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે લીમખેડા તાલુકાના મોટામાળ ગામે ભરવાડ ફળિયામાં રહેતાં રાકેશભાઈ કડકીયાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.