લીમખેડાના ઢંઢેલા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ રોડ ઉપર પીકઅપ ગાડી માંથી 4.89 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે ઢઢેલા ગામેથી પસાર થતાં દાહોદ-ગોધરા હાઈવે પરથી એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.4,89,600ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.10,12,700ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમખેડાના ઢઢેલા ગામેથી પસાર થતાં દાહોદ-ગોધરા હાઈવે પર વોચ ગોઠવી ઉભી હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ એક એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર સંજય હિમરાજ ભાભોર (રહે.ખાપરીયા, તા. જી. દાહોદ) અને સુરેશ ચંદુ પરમાર (રહે. કતવારા, તા. જી.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાં ડુંગળીના કટ્ટા આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.4608 કિંમત રૂા.4,89,600ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમો પાસેથી રોકડા રૂપીયા 2,700, 03 મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.10,12,700નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાકેશભાઈ ભાભોર (રહે. કતવારા, તા. જી. દાહોદ), દિનેશ ભંગારીયો (રહે. અસાયડી, તા. દેવગઢ બારીઆ, જી. દાહોદ) અને ગાડીના માલિકની મદદગારીથી હેરાફેરી કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.