લીમખેડા પ્રતાપપુરા શાળાની મઘ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરિતી સામે આવતા મામલતદાર દ્વારા નોટિસ

લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના મઘ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક મુલાકાતમાં ગેરરિતી ઝડપાતા સંચાલકને લેખિત ખુલાસો રજુ કરવા લીમખેડા મામલતદાર દ્વારા નોટિસ પાઠવી હતી. જેથી ગેરરિતી આચરનારા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

મઘ્યાહન ભોજન યોજના કમિશનર ગુજરાત રાજય ગાંધીનગર પત્ર મુજબ મઘ્યાહન ભોજન કેન્દ્રના બાળકોને મેનુ મુજબનુ ભોજન તથા નાસ્તો આપવાનુ નકકી થયેલ છે. જે અંતર્ગત લીમખેડા તાલુકાના મઘ્યાહન ભોજન સુપરવાઈઝર લીમખેડા દ્વારા પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત લેવાઈ હતી. તે સમયે ગ્રામજનો દ્વારા મઘ્યાહન ભોજન કેન્દ્રના મેનુ મુજબનુ ભોજન આપવામાં નહિ આવતુ હોવાની રજુઆત ગ્રામજનો તથા વાલીઓ દ્વારા કરાઈ હતી. આ બાબતે લીમખેડા મામલતદાર દ્વારા ચકાસણી કરવામાં આવતા બાળકોનુ મેનુ મુજબનુ ભોજન અપાતુ નહિ હોવાની ગંભીર પ્રકારની ક્ષતિ ઘ્યાને આવી હતી. મઘ્યાહન ભોજન કેન્દ્રમાં બેદરકારી જોવા મળી હતી. જેથી લીમખેડા મામલતદાર દ્વારા પ્રતાપપુરા પ્રાથમિક શાળાના મઘ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને આ બાબતે લેખિત ખુલાસો રજુ કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.