લીમખેડા, લીમખેડા તાલુકાના પાણીયા ગામે હાઈવે પર કોઈ અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલકનુ માથામાં થયેલ ગંભીર ઈજાઓના પગલે સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા અને લાઈટ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો કેયુર કુમાર રમેશભાઈ પટેલ લોનની રિકવરીના કામકાજ માટે લીમખેડા આવેલી ઓફિસે બાઈક લઈ જવા નીકળ્યો હતો. રસ્તામાં પાણીયા ગામના હનુમાન મંદિર નજીક પહોંચતા ગોધરા તરફથી પુરઝડપે હંકારી આવેલા અજાણ્યા વાહનચાલકે કેયુરની બાઈકને પાછળથી ટકકર મારી હતી. જેને લઈ કેયુર કુમાર રમેશભાઈ પટેલને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને લીમખેડાના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ રિફર કરવામાં આવ્યો હતો પરંતુ થોડી દિવસની સારવાર બાદ કેયુરકુમાર રમેશભાઈ પટેલ(ઉ.વ.22)નુ મોત નીપજયું હતુ. આ બનાવ સંદર્ભે દેગાવાડા ગામના મૃતકના પિતા રમેશભાઈ ભીખાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.