લીમખેડા,લીમખેડા તાલુકાના પાણીયા ગામે રસ્તા ઉપર કારની અડફેટે રસ્તાની બાજુમાં ઉભેલા બાંડીબાર ગામની એમ એન્ડ બ્રધર્સ હાઈસ્કુલની શિક્ષિકાનુ ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતુ.
લીમખેડા નગર સ્થિત ઝાલોદ રોડ પર આવેલા કુંભારવાડામાં રહેતા અને મુળ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વતની વંદનાબેન અર્જુનભાઈ પટેલ બાંડીબાર ગામે આવેલી એમ એન્ડ બ્રધર્સ હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જેઓ લીમખેડાથી બાંડીબાર અપડાઉન કરે છે. જેથી તેઓ પોતાની મોપેડ ગાડી લઈ પાણીયા ગામે રસ્તાની બાજુમાં તેઓના સ્ટાફના શિક્ષક યોગેશભાઈ લબાનાની રાહ જોઈને ઉભા હતા દરમિયાન ગોધરા તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલ એક ગાડીના ચાલકે વંદના બહેનને ટકકર મારી હતી. જેને લઈ તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વંદનાબેન અર્જુનભાઈ પટેલને તાત્કાલિક સારવાર માટે લીમખેડાના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજવા પામ્યુ હતુ. અકસ્માત સર્જી ઈકો કારનો ચાલક નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે બાંડીબાર ગામની એમ એન્ડ બ્રધર્સ હાઈસ્કુલના શિક્ષક યોગેશ શંકરલાલ લબાનાએ નોંધાવેલી ફરિયાદના પલે લીમખેડા પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.