લીમખેડા તાલુકામાં આવેલા પાણીયા ગામ પાસે આવેલ રેલ્વે ઓવરબ્રિજનુ કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યુ છે. મંથરગતિએ ચાલી રહેલા કામથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફાટક મુકત અભિયાન હેઠળ લીમખેડા તાલુકામાં આવેલા ગામે રેલ્વે ટ્રેક ઉપર કરોડોના ખર્ચે ઓવરબ્રિજ મંજુર કર્યો છે. જેનુ કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યુ છે. પાણીયા ગામે આવેલા રેલ્વે ફાટક પરથી બાંડીબાર તરફના 30થી 35 ગામડાઓના લોકો પસાર થતાં હોય છે. આ વિસ્તારમાંથી કોઈ બિમાર વ્યકિતને ઈમરજન્સી સારવાર માટે દવાખાને પહોંચાડવામાં રસ્તામાં આવતી આ પાણીયા ફાટકને કારણે કોઈ ગંભીર બિમાર દર્દીનુ છાશવારે મૃત્યુ થઈ જતુ હોય છે. તાત્કાલિક દર્દીને સારવાર માટે પહોંચાડવામાં રસ્તામાં આવતી પાણીયા ફાટક કયારેક બંધ હાલતમાં મળે તો સ્વજન ગુમાવવાનો વારો આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા 35 થી વધુ ગામોના લોકોને આ ફાટક પર રોકાવુ ન પડે અને સરળતાથી સમયસર પસાર થઈ જ વાય તે માટે કરોડોના ખર્ચે આ ફાટક પર ઓવરબ્રિજનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાકટરની મનમાનીથી ધીમી ગતિએ ઓવરબ્રિજનુ બાંધકામ કરાતુ હોવાથી આ વિસ્તારના લોકોને ચાલુ કામને લઈ રસ્તામાં માલસામાનનો ખડકલો પડેલો હોવાથી અવર જવર પણ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.જેથી પાણીયા ગામ પાસે રેલ્વે ફાટક પર સત્વરે આ મંથરગતિએ ચાલતા ઓવરબ્રિજનુ કામ પુર્ણ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.