દાહોદ-ગોધરા હાઇવે પર લીમખેડાના પાલ્લી ગામે ફેક્ટરી ફળિયામાં બ્રિજ પર પુરપાટ દોડી જતી ફોરવીલ ફોક્સવેગન કાર આગળ જતી મોટરસાયકલને ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને શરીરે ઇજાઓ થવા પામી હતી. જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલ 55 વર્ષીય વૃદ્ધાને માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજયાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની ગફલતને કારણે શરૂ થયેલો ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો રોકાવાનું નામ લેતો નથી. તેવા સમયે બે ત્રણ દિવસ અગાઉ તારીખ 29-6-2024 ના રોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે એક ફોરવીલ ગાડી નો ચાલક તેના કબજાની સફેદ કલરની ફોક્સવેગન કાર પુર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દાહોદ-ગોધરા હાઇવે પર લીમખેડાના પાલ્લી ગામે ફેક્ટરી ફળિયામાં સીમાડે બ્રિજ પર જઈ રહેલી મોટરસાયકલને જોશભેર ટક્કર મારી નાસી જતા મોટરસાયકલ પર બેઠેલ લીમખેડાના લુખાવાડા ગામના ભારત ભાઈ ચતુરભાઈ પટેલ તથા મોટર સાયકલ પર પાછળ બેઠેલ લીમખેડા ના પાણીયા ગામના વકીલ ફળિયામાં રહેતા 55 વર્ષીય ગંગાબેન અભેસિંગભાઈ પટેલ એમ બંને જણા મોટરસાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતા ભરતભાઈ પટેલને શરીરે ગંભીર ઇજાઓથવા પામી હતી જ્યારે ગંગાબેન પટેલને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ લીમખેડા પોલીસને કરાતા લીમખેડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપ્યા હતા. જ્યાં 55 વર્ષીય ગંગાબેન પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે પાણીયા ગામના વકીલ ફળિયામાં રહેતા મુકેશભાઈ કાનજીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે ફોક્સવેગન કારના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.