દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કરમાદી ગામે એક ક્રુઝર તુફાન જેવી ગાડીમાં સવાર થઈ આવેલા સાત જેટલા ઈસમોએ મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહેલા બે યુવતિઓ સહિત મોટરસાઈકલના ચાલક સાથે ઝપાઝપી કરી બે યુવતિઓ પૈકી એક યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ ઝાલોદ તાલુકાના પારેવા ગામે સંગાડા ફળિયામાં રહેતાં સેમકુમાર નુરજીભાઈ સંગાડા તથા તેમની સાથે જાગૃતિબેન અને સેલીનાબેન એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ લીમખેડા તાલુકાના કરમાદી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં ક્રુઝર તુફાન ફોર વ્હીલર ગાડી લઈને આવેલા મનોજભાઈ રાકેશભાઈ ભુરીયા (રહે.પારેવા, તા.ઝાલોદ, જિ.દાહોદ) તથા તેની સાથે અન્ય 06 જેટલા ઈસમોએ સેમકુમારની મોટરસાઈકલને ઓવર ટેક મારી લાકડીઓ વડે આડ કરી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી જાગૃતિબેનને ધક્કો માર્યો હતો અને સેલીનાબેન સાથે ઝપાઝપી કરી પકડી ધક્કો મારી બળજબરીપુર્વક સેલીનાબેનને ક્રુઝર તુફાન જેવી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયાં હતાં.
આ સંબંધે સેમકુમાર નુરજીભાઈ સંગાડાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.