લીમખેડાના કાચલા ગામે ટ્રક પલ્ટી જતા નીચે પડેલ ગુણો નીચે 5 બકરા દબાઈ જતા મોત

દાહોદ,

લીમખેડા તાલુકાના કાચલા ગામે દાહોદ-ગોધરા હાઈવે ઉપર પલટી ખાધેલી ટ્રકમાંથી ફંગોળાયેલી ગુણો નીચે રોડ નજીક ચરતા 5 બકરા દબાઈને મોતને ભેટયા હતા. આ વખતે ધસી ગયેલી પોલીસ ટ્રાફિકનુ સંચાલન કરી રહી હતી ત્યારે જ પાછળથી ધસી આવેલી અન્ય એક ટ્રકે પોલીસ જીપ સાથે અન્ય એક કારને પણ અડફેટમાં લેતા ખળભળાટ મચી ગયો હતો. કાબુ ગુમાવીને વાહનોને અડફેટમાં લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાવવા પામ્યો હતો.

મઘ્યપ્રદેશના દેવાસથી એમ.પી.-11-એચ-3774 નંબરની ટ્રકમાં સોયાબીનની ભુંસી ડીઓસી ભરીને ગાંધીનગર લઈ જવાતુ હતુ. ત્યારે સમી સાંજે દાહોદ-ગોધરા હાઈવે ઉપર લીમખેડા તાલુકાના કાચલા ગામે ડાયવર્ઝન પર એક પેસેન્જર રેકડા અને ફોર વ્હિલરને બચાવવાના પ્રયાસમાં ટ્રક ઝોલ ખાઈ ગઈ હતી. જેથી આ ટ્રક પલ્ટી ખાઈ જતા તેમાં ભરેલી ભુસાની ગુણો ફંગોળાઈ ગઈ હતી. જો કે આ વખતે રસ્તાની નજીક ચરી રહેલા બકરાઓ ઉપર ગુણો પડતા 5 બકરાના મોત નીપજયાં હતા. આ ધટનાની જાણ થતાં લીમખેડા પોલીસ અને હાઈવે ઓથોરીટીના માણસો ધટના સ્થળે ધસી જઈ બેરીકેટિંગ રાખીને એક તરફનો વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. આ વખતે લીમખેડા પોલીસ મથકની ફસ્ટ મોબાઈલ જીજે-20-જીએ-1016 નંબરની જીપ લઈને અન્ય એક સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. 1016 નંબરની જીપ પાર્કિંગ લાઈટ અને હેડલાઈટ ચાલુ રાખીને રોંગ સાઈડે ઉભી રાખીને કર્મચારીઓ કામગીરીમાં જોતરાયેલા હતા. તે વખતે પુરપાટ આવતી એમપી-09-એચએચ-3674 નંબરની ટ્રકના ચાલકે કાબુ ગુમાવીને હાઈવે ઓથોરીટીના બેરીકેટિંગને તોડીને રોંગ સાઈડે ઉભેલી પોલીસની ફસ્ટ મોબાઈલ અને અન્ય એક જીપ 23-સીસી-2323 કારને ટકકર મારતા નાસભાગ મચી જવા પામી હતી. વાહનોને અડફેટમાં લઈને ભાગવા જતા મઘ્યપ્રદેશના કછવાડા ગામનો કિશોર રાવત નામક ચાલક ભાગતા જતા લોકોએ ઝડપી પાડ્યો હતો. પોલીસ જીપ તથા કારને ભારે નુકસાન થયુ હતુ.અને ભયજીભધાઈ માનાભાઈએ ટકકર મારનાર ટ્રકના ચાલક સામે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.