દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે લીમખેડા પોલીસ મથકે જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતાં કર્મચારીએ મોટરસાઈકલ પર જતાં એક વ્યક્તિને રસ્તામાં રોકી વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાના આક્ષેપો મુકી કેસ નહીં કરવા મામલે જી.આર.ડી. જવાને રૂા. 30,000ની માંગણી કરતાં આ લાંચના નાણાં જાગૃત નાગરીક આપવા માંગતા ન હોય જેથી તેમણે એ.સી.બી. પોલીસનો સંપર્ક કરતાં મહીસાગરની એ.સી.બી. પોલીસે જેતપુરમાં છટકું ગોઠવતાં લીમખેડા પોલીસ મથકનો જીઆરડી જવાન જાગૃત નાગરિક પાસેથી રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
ગતરોજ એક વ્યક્તિ પોતાની મોટરસાઈકલ લઈ લીમખેડા તરફ આવતાં હતાં તે દરમ્યાન રસ્તામાં રોડ પર એક પોટલું પડ્યું હતું. જેથી મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ ઉભી રાખી હતી. આ દરમ્યાન લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જી.આર.ડી. જવાન પ્રવિણભાઈ સોમાભાઈ લુહાર (રહે. લુહાર ફળિયુ, મોટા હાથીધરા, તા.લીમખેડા, જિ.દાહોદ)નો ત્યાં પ્રાઈવેટ બોલેરો ગાડીમાં પોલીસનું પાટીયું મુકી આવ્યો હતો અને પોટલું રોડ પરથી લઈ પોતાની ગાડીમાં મુકી દીધુ હતું અને મોટરસાઈકલના ચાલકને કહેલ કે, દારૂ તમારો છે, તેમ કહી મોટરસાઈકલના ચાલક પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને રૂા. 30 હજારની લાંચની માંગણી કરી હતી અને મોટરસાઈકલના ચાલકનો મોબાઈલ ફોન તેમજ રસ્તામાંથી મળી આવેલ પોટલુ લઈ જી.આર.ડી. જવાન જતો રહ્યો હતો. ત્યાર બાદ મોબાઈલ ફોન ઉપર વાતચીત થતાં દારૂનો કેસ નહીં કરવા રકઝકના અંતે રૂા. 15000ની લાંચની માંગણી જી.આર.ડી. જવાને કરી હતી જેની પ્રથમ લાંચની રકમ રૂા. 10,000 લઈ લેવામાં આવી હતી અને બાકીના 5 હજારની લાંચની માંગણી કરતાં આ લાંચની રકમ જાગૃત નાગરીક આપવા માંગતાં ન હોઈ જેથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કરતાં મહીસાગરની એસીબી પોલીસના સુપર વિઝન અધિકારી બી.એમ. પટેલ તેમજ તેમની ટીમે મહાવીર નાસ્તા હાઉસ, જેતપુર, ઝાલોદ રોડ ખાતે જી.આર.ડી.જવાનને લાંચની રકમ સાથે ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું જ્યાં જાગૃત નાગરીક પાસેથી જીઆરડી જવાન પ્રવિણભાઈ લુહાર રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ એસીબી પોલીસના હાથે ઝડપાઈ જતાં સમગ્ર મામલે એસીબી પોલીસે ઝઢપાયેલ જીઆરડી જવાન પ્રવિણભાઈ લુહાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.