લીમખેડાના દુધિયા ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1.80 લાખની મત્તાની ચોરી કરી

દાહોદ,

લીમખેડા તાલુકાના દુધીયા ગામે ગતરાતે ત્રાટકેલા તસ્કરોએ સતકેવલ ફળિયામાં એક બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા 1.80 લાખની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.

લીમખેડાના દુધીયા ગામે સતકેવલ ફળીયાના મુળ વતની અને વેપાર ધંધો કરતા અનીલભાઈ ડાહ્યાભાઈ સલાણીયા હાલ દાહોદ લક્ષ્મીનગર ખાતે રહેતા હોઈ તેમના દુધીયા ખાતેના બંધ મકાનને ગતરાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવશ્યા હતા અને તિજોરીમાં મુકેલ રૂા.20,000ની કિંમતની સોનાની બુટ્ટીની જોડ નંગ-1, રૂપિયા 40,000ની કિંમતની સોસાની ચેઈન નંગ-2, રૂા.10,000ની કિંમતના ચાંદીના છડા જોડ નંગ-2, રૂા.20,000ની કિંમતનો 500 ગ્રામ વજનનો ચાંદીનો ચોરસો, રૂા.10,000ની કિંમતની સોનાની લેડીઝ વીટી નંગ-1 તથા રૂપિયા 40,000ની રોકડ વગેરે મળી રૂપિયા 1,80,000ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે હાલ દાહોદ લક્ષ્મીનગરમાં રહેતા ઘરધણી અનીલભાઈ ડાહ્યાભાઈ સલાણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.