લીમખેડાના દુધિયા અને કોઠરા ગામે નલ સે જલ યોજનાના કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરાતા ખેતરોમાં વ્યાપક નુકસાન

લીમખેડા,લીમખેડા તાલુકાના દુધિયા તથા કોઠરા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત કોન્ટ્રાકટર દ્વારા ખેડુતોના ખેતરોમાં જેસીબી મશીન દ્વારા પાણીની પાઈપલાઈન નાંખવા માટે આડેધડ ખાડાઓ ખોદી નાંખવામાં આવ્યા હતા. તેમજ ખાડાઓ ગટરોમાં પાઈપલાઈન નાંખ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યુ નહિ હોવાથી દુધિયા તથા કોઠરા ગામના અનેક ખેડુતોના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયુ છે. ખેતરોના શેઢા પણ તોડી નાંખી યોગ્ય રીતે બાંધવામાં આવ્યા નહોતા. કોન્ટ્રાકટરની નિષ્કાળજીના કારણે દુધિયા તથા કોઠારા ગામના અનેક ખેડુતોને વ્યાપક નુકસાન સાથે મુશ્કેલી સર્જાઈ છે. આ બાબતે ખેડુતોના ખેતરોમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવી થયેલ નુકસાનનુ વળતર ચુકવવા લીમખેડા વહીવટી તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.