લીમખેડાના ફુલપરી ગામે નેશનલ કોરીડોરના કર્મીની ગાડીને અકસ્માત સળગી જતાં વ્યકિતનું મોત

દાહોદ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે નેશનલ હાઈવે કોરિડોરમાં કામ કરતા કર્મચારીની ગાડીને અકસ્માત નડ્યો હતો. જેમાં ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી પુલ નીચે ખાબકતા ગાડીમાં આગ લાગતા આખી ગાડી સળગી ઉઠી હતી. જોકે, આ બનાવમાં 45 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હરિયાણા રાજ્યના યમુના નગર સેતપુરા ખાતેના રહેવાસી અને હાલ મીરાખેડી નજીક દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે હાઇવે કોરિડોરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અમન અનિલ કુમાર શાહની પોતાના મિત્ર ઈશાન ભાટેજાની ટોયોટા ઇનોવા ગાડીમાં પોતાની સાથે હાઇવે કોડીનારમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 45 વર્ષીય રાકેશ ગુલમેર સહાય વર્મા રેહ.49 ગુરૂ અર્જુન નગર જગાપુરી યમુના નગર હરિયાણા નાઓ સાથે સાંજના સમયે હાઇવે કોરિડોરની સાઈડ પરથી કેમ્પ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં આઠ વાગ્યાના સુમારે વરસાદમાં લીમખેડા તાલુકાના ફુલપરી ગામે વળાંક પર અમન સહાનીએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઈનોવા ગાડી પુલ ઉપરથી નીચે પલટી મારતા ગાડીમાં સવાર રાકેશ વર્માને જીવલેણ ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અમન અનિલકુમાર શાહનીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, આ દરમીયાન ઇનોવા ગાડી સળગી ઉઠતા સમગ્ર ઇનોવા ગાડી આગમાં ભડથું થઈ ગઇ હતી. ત્યારબાદ અમન સહાનીએ તેઓના સાથી કર્મચારીઓને બનાવની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તે દરમિયાન ઇજાગ્રસ્ત અમન સહાનીને 108 મારફતે દુધિયા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જયારે પોલિસે મરણના રાકેશ વર્મા ની લાશનો કબજો મેળવી તેઓના મૃતદેહ ને ઝાયડસના પીએમ રૂમમાં ખસેડવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવમાં લીમખેડા પોલીસે ઇનોવા ગાડીના અનીલ અમન સહાની વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.