લીમખેડામાં શાસ્ત્રી ચોક એસ.ટી.બસ સ્ટોપ કાયમી રાખવા ગ્રામજનો અને વેપારીઓ દ્વારા પોલીસ ઈન્સ્પેકટરને લેખિત રજુઆત

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા નગરમાં આવેલ શાસ્ત્રી ચોક એસ.ટી. બસ સ્ટોપ કાયમી રાખવા મામલે લીમખેડા નગરના ગ્રામજનો તથા વેપારીઓએ આ મામલે લીમખેડા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

લીમખેડાના ગ્રામજનો તેમજ વેપારીઓ દ્વારા લીમખેડા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, લીમખેડા નગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ વિભાગને ગ્રામજનો તેમજ વેપારીઓ સહકાર આપવા ખુશ છીએ. લીમખેડા નગરમાં આવેલ શાસ્ત્રી ચોક ખાતે વર્ષોથી જુનુ કાયમી એસ.ટી. બસ સ્ટોપ છે અને હાલ લીમખેડા ગામનું નવું એસ.ટી. બસ સ્ટેશન પાલ્લી ગામમાં બનેલ છે અને જે તમામ એસ.ટી. બસો ઝાલોદ, દાહોદ તરફ આવવા જવાનો રૂટ પણ લીમખેડા ગામમાંથી રાખવામાં આવેલ છે. તો એકમાત્ર બસનો સ્ટોપ બંધ કરવાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એવું કોઈ કારણ ઉપસ્થિત થતું નથી અને સ્વાભાવિક છે કે, લીમખેડા અને પાલ્લી ગામ બંન્ને વચ્ચે આવેલ હડફ નદી પુલ સાંકડો હોય તથા ઝાલોદ તરફ જતા રોડ પર આવેલ રેલવે બ્રીજ સાંકડા હોય જેને પહોળો કરવા બાબત સ્થાનીક સાંસદ અને ધારાસભ્ય તરફથી સરકારમાં માંગણી કરતાં ટુંક સમયમાં કામ શરૂ થવાની સંભાવના છે. જેથી એસ.ટી. બસ સ્ટોપના કારણે ટ્રાફિક થતું હોય એવું કોઈ કારણ નથી. લીમખેડા શાસ્ત્રી ચોક વર્ષો જુનુ બસ સ્ટોપ હોય અને જેને બંધ ન કરી ટ્રાફિક સમસ્યા માટે બીજા વૈકલ્પિક રસ્તા અપનાવવાની લીમખેડાના ગ્રામજનો તેમજ વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.