દાહોદ શહેર જીલ્લામાં હાલ ગેરકાયદેસરના દબાણો અને સરકારી જમીન પર કબજો કરનારા ઉપર સરકારનો સકંજો ભેડાઇ રહયો છે. તેવામાં લીમખેડાની આર્ટસ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જમીનમા કરવામા આવેલ ગેરકાયદેસર દબાણને લઈને લેન્ડ ગ્રેબીગ સહિતની રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટી હાથીધરા ગામે આવેલી આર્ટ્સ કોલેજ લીમખેડાના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થાને ફાળવેલ જમીન કરતા વધારાની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવામા આવતા આ ગેરકાયદેસર દબાણ દુર કરવા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ લીમખેડા મામલતદાર, પ્રાંત અધિકારીને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં સ્થાનિક કક્ષાના અધિકારીઓ દ્વારા દબાણ દુર કરવા બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જેથી આપના જીલ્લા પ્રમુખ દ્વારા આર્ટ્સ કોલેજના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગના કાયદા હેઠળ ફરિયાદ કરી હતી. ટ્રસ્ટીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગની ફરીયાદ કરવા છતાં લીમખેડા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા રાજકીય દબાણના કારણે નિયમોનુસાર કાર્યવાહી કરવાના બદલે અરજદાર રાકેશ બારીયાની અરજી ખોટી રીતે દફતરે કરવામાં આવી હતી. જેથી આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ કાર્યકર્તાઓ સાથે દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.