લીમખેડા અને ઝાલોદ-દાહોદ માર્ગ પર મુકેલા ફાઈબરના સ્પીડબ્રેકર માત્ર 3 મહિનામાં જ તુટ્યા

લીમખેડા, દાહોદ-ગોધરા હાઈવે રસ્તા ઉપર લીમખેડા તરફથી નાના-મોટા વધુ ઝડપે આવતા વાહનોને કારણે છાશવારે સર્જાતા અકસ્માતોમાં લોકોને જીવ ગુમાવવો પડે છે. વધુ પડતી સ્પીડમાં આવતા વાહનોને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા કેટલાક સ્થળે ફાઈબરના સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા છે.

જેમાં લીમખેડા શાસ્ત્રી ચોક ઉપર લોકોની સતત અવર જવર રહેતી હોય છે. લીમખેડા તાલુકા કક્ષાનુ ગામ હોવાને કારણે તાલુકાની તમામ વહીવટી કચેરીઓના કારણે લીમખેડામાં ગ્રામ્ય જનતાની સતત અવર જવર રહે છે. આ ઉપરાંત શાળા-કોલેજોમાં અભ્યાસ માટે લીમખેડામાં હજારો વિધાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. લીમખેડામાં લોકોની તેમજ વિધાર્થીઓની સતત અવર જવરના કારણે છાશવારે અકસ્માતો સર્જાય તે માટે આવી તમામ બાબતોને ઘ્યાનમાં રાખી નગરજનો દ્વારા લોક દરબારમાં પણ સ્પીડ બ્રેકર મુકવા માટે રજુઆતો કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા ગામમાં અને ઝાલોદ અને દાહોદ રસ્તા ઉપર ફાઈબરના સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા હતા. તે તમામ સ્પીડ બ્રેકર તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેથી એજન્સી અને વહીવટી તંત્રની મિલીભગતથી આ સ્પીડ બ્રેકરો હલકી કક્ષાના મુકવામાં આવ્યા હોવાની દેખાઈ રહ્યુ છે. એજન્સી દ્વારા જે ફાઈબરના તકલાદી સ્પીડ બ્રેકરો મુકતા માત્ર બે થી ત્રણ મહિનામાં જ તુટી ગયા છે. હાલ સ્પીડ બ્રેકરોના માત્ર ખીલા જોવા મળી રહ્યા છે તો કયાંક અડધી તુટેલી હાલતમાં છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્પીડ બ્રેકરો ટુંકા ગાળાના સમયમાં જ તુટી ગયા હતા. જેની વિગતવાર માહિતી માંગતા તંત્ર દ્વારા આ બાબતે કોઈ પુરતી માહિતી આપી ન હતી. અને મોૈન સેવી લીધુ હતુ. તેથી લોકોએ આ બાબતે તપાસની માંગ કરી છે. તેના નિયંત્રણ માટે રસ્તા ઉપર ફાઈબરના મુકેલા મોટાભાગના સ્પીડબ્રેકરો તુટી ગયેલી હાલતમાં જણાઈ આવતા હલકી કક્ષાના સ્પીડ બ્રેકરો મુકી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં થયેલી ગેરરિતીની તપાસની માંગ કરી છે.