- ધાનપુરમાં 9 વર્ષ પહેલા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને મળ્યો ન્યાય, આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ.
- દુષ્કર્મ આચર્યાના 3 વર્ષ બાદ આરોપી પકડાયો હતો.
દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં 9 વર્ષ પહેલા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને આખરે ન્યાય મળ્યો હતો. આ કેસમાં દેર આયે દુરૂસ્ત આયેની ઉક્તિ સાર્થક થવા પામી હતી. જેમાં વર્ષ 2014 ની સાલમાં કાલા ખુટ ગામના નરાધમે પોતાની વાસના સંતોષવા સગીરાને નિશાન બનાવી દુષ્કર્મ આચર્યો હતો. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયાના ત્રણ વર્ષ બાદ આરોપી ઝડપાયો હતો અને નવ વર્ષની ન્યાયિક પ્રક્રિયા બાદ લીમખેડા કોર્ટે આરોપીને દોશી ઠેરવી 20 વર્ષની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાહોદ જીલ્લાની લીમખેડા કોર્ટનાં ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝા ગંભીર ગુનાઓમાં સમાજમાં ઉત્તમ દાખલો બેસે તેમજ ગુનાખોરી કરનાર તત્વોમાં કાયદાનો ડર બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવા માટે સુખ્યાત બન્યા છે. ત્યારે અગાઉ દુષ્કર્મ, હત્યા તેમજ પોસ્કો જેવા ગુનામાં ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝાએ આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાનો આ સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે.જેમાં ધાનપુર તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષિય તરૂણી 14 સપ્ટેમ્બર 2014ના રોજ પોતાના પિતા અને કાકા સાથે જંગલમાં લાકડા વીણવા માટે ગઇ હતી. પિતા અને કાકા દૂર નીકળી જતાં તરૂણી એકલી રહી ગઇ હતી.આ વખતે બાઇક લઇને આવેલા કાળાખુંટ ગામના નરેશ ચેનિયા મિનામા અને તેની સાથેના એક યુવકે તેની એકલતાનો લાભ લીધો હતો. નરેશે તરૂણી સાથે બળપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. બૂમાબૂમ સાંભળીને પિતા-કાકા દોડી આવતાં બંને યુવકો પોતાની બાઇક છોડીને ભાગી છુટ્યા હતાં. દુષ્કર્મનો ગુનો આચર્યા બાદ ફરાર થયેલો નરેશ વર્ષ 2017માં પોલીસના હાથે પકડાયો હતો. આ બાબતનો કેસ લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો અને પુરાવાને માન્ય રાખીને ત્રીજા એડિશનલ સેશન્સ અને સ્પે. પોક્સો જજ એમ.એ મિર્ઝાએ દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠેરવીને નરેશ મિનામાને 20 વર્ષની સખત કેદની સજા સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફાટકારવામાં આવતા કોર્ટ સંકુલમાં સોપો પડી ગયો હતો.